લોકસંગીત અને ભજનોને જીવંત રાખનાર લલિતાબેન ઘોડાદરા સાથે ખાસ-ખબરની મુલાકાત
લલિતાબેન જયારે તળપદી ભાષામાં ભજનો ગાય છે ત્યારે શ્રોતાઓ થઇ જાય છે મંત્રમુગ્ધ
- Advertisement -
‘વીજળીના ચમકારે મોતીડાં પરોવવા….’ એ એમની અસલ તળપદી રંગતમાં ગાય છે અને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જાય છે, કારણ એમના માટે આ ભજન એ માત્ર ભજન નથી, એમના જીવનનો સાર છે એ એમના અતિતમાં ઊંડે ઉતરતાં સમજાય છે કે એમણે ખરેખર વીજળીના ચમકારે મોતીડાં પરોવી પરોવીને સફળતાની વિજયમાલા પોતે ગુંથી છે. આ વાત છે ગુજરાતની કોયલ, કોકિલકંઠા લલીતાબેન ઘોડાદરાની કે જેમણે દેશ વિદેશમાં ગુજરાતી લોકસંગીત-ભજનો-લગ્નગીતોને જીવંત રાખ્યા છે. અત્રે પ્રસ્તુત છે એમની સાથેની યાદગાર મુલાકાત, રુબરુ સંવાદની રસલાહણ…
ત્રણ બહેન અને ત્રણ ભાઈ, માતા-પિતા અને દાદી નવ જણના બહોળો પરિવારમાં,1968માં પોરબંદરમાં જન્મેલા લલીતાબેન નાનપણની વાત કરતા કહે છે કે, રોજ સવારે પાંચ વાગે ઉઠી જવાનો, રેડિયો સાંભળવાનો, માતા- પિતાનો નિત્યક્રમ.. વહેલી સવારે રેડિયો પર આવતાં ભજન-પ્રભાતિયાં વડે ઘર ગુંજી ઉઠતું. વળી, મોટાબહેન લીલાવતીબેન અને રમીલાબેન બિરલા કોલોનીમાં નવરાત્રી દરમ્યાન બુલંદ અવાજે ગરબા ગવડાવે, મોટાભાઈ કેશુભાઈ પણ એ સમયે પ્રફુલ દવે જેવા અવાજ તરીકે શાળામાં અને આસપાસના વિસ્તારમાં ઓળખાતા… એટલે નાનપણથી જ ઘરમાં સંગીતનું વાતાવરણ મળ્યું. પણ સંગીતની વિધિવત તાલીમની શરૂઆત કેવી રીતે થઈ એ વિશે બહેન જણાવે છે કે…
શાળા જીવન દરમ્યાન બાલસભામાં હું કાયમ ભજન અને લોકગીત વગેરે ગાતી. મને સાંભળીને શિક્ષકો પણ એમ કહેતા કે તારો અવાજ કેટલો સરસ છે, તારે તો વિધિવત તાલીમ લેવી જોઈએ. સખી વૃંદ પણ લલિતાને ખૂબ પ્રોત્સાહિત કરે કે તું આમાં આગળ વધ, અમે તને બનતી મદદ કરીશું. લગ્ન પ્રસંગે કે સામાજિક પ્રસંગે લલિતાને ગાવામાં આગળ કરે જેથી એની ઓળખ ઉભી થાય! બહેનપણી સુકેશી રવજીભાઈ જોશી પાસે સંગીતની તાલીમ લે, એણે લલીતાબેનને ખૂબ પ્રોત્સાહિત કર્યા કે તારે ગુરુ પાસે શીખવું જોઈએ પણ રૂઢિચુસ્ત પરિવાર અને તેઓ જે જ્ઞાતિમાંથી આવે છે ત્યાંના અમુક મર્યાદાઓને કારણે પિતા નહોતા ઇચ્છતા કે દીકરી લલિતા જાહેરમાં ગાવાનું ક્ષેત્ર પસંદ કરે એટલે રવજીભાઈ જોશીની સમજાવટ છતાં પિતા તાલીમ આપવા તૈયાર ન થયા પણ અંતે તો ક્રાંતિકારી, સંતાન વત્સલ પિતાએ દીકરીને લીલીઝંડી આપી દીધી અને ભવિષ્યની સંગીતમય યાત્રાના જાણે કે શ્રી ગણેશ થઈ ગયાં.
પિતા લોકસંગીત અને ભજનના રસિક વ્યક્તિ, અનેક પ્રોગ્રામમોમાં દીકરીને લઈને જાય. ત્યા કલાકરોને સ્ટેજ પર પ્રસ્તુતિ કરતા જોઈને લલિતાબેનને નાનપણથી જ એવા શમણાં આવે કે હું પણ આ લોકોની જેમ જ ક્યારેક સ્ટેજ ગજવતી હોઈશ… આ મહત્વકાંક્ષામાં પ્રખર મહેનત ભળી અને બધી જ વિષમતા ભૂલી જઈને સંગીત શીખવામાં રાતદિવસ ભૂલી જતાં બહેનને અભાવો કે અગવડોની ફરિયાદ ક્યારેય ન રહી. પિતા પાસે દીકરીને હાર્મોનિયમ લઈ દેવાના જોગ સુદ્ધા નહિ!
પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…
પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની ..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!
- Advertisement -
જામનગર-દ્વારકામાં પ્રોગ્રામમાં મોટાભાઈએ બહેનને સ્ટેજ આપ્યું એ એમનો પ્રથમ જાહેર સ્ટેજ પ્રોગ્રામ…
પણ દીકરીની લગન જોઈ પિતાએ જયુપીટરવાળા જોશી પરિવાર (લંડન)ને વાત કરતા તેમણે પાંચસો રૂપિયાનું હાર્મોનિયમ લઈ આપ્યું. પિતાની નબળી આર્થિક સ્થિતિ બે રૂમ અને નવ નવ સભ્યોના પરિવારમાં રિયાઝ કરવાની જગ્યા પણ ન મળે! બહેન રોજ સવારે ચાર-પાંચ વાગે ઉઠીને પૂજાપાઠ કરી બાથરૂમ સાફ કરીને પછી બાથરૂમમાં ચાર ચાર કલાક રિયાઝ કરે! જેની ફલશ્રુતિ રૂપે તેર-ચૌદ વર્ષની ઉંમરે જ પોરબંદર તેમજ બરડા વિસ્તારમાં લલીતાબેનને પ્રોગ્રામ મળવા શરૂ થઈ ગયાં…
પ્રથમ જાહેર પ્રસ્તુતિમાં પંદર રૂપિયાનો પુરસ્કાર અને ઘોળ મળી સાડા ત્રણસો રૂપિયાની..એ યાદ કરતા લલિતાબેન કહે છે કે તે રાત્રે મને આની ખુશીમાં ઊંઘ નહોતી આવી!
જામનગરનો પ્રોગ્રામ તો ઠીક ઠીક સફળ રહ્યો પણ દ્વારકામાં નીચો સુર આપવાનું કહેવા છતાં, હાર્મોનિયમ વાદકે બહેનને ચોથી કાળીનો બહુ ઊંચો સુર આપી દીધો ટોન્સિલનું ઓપરેશન કરેલું અને આટલા ઊંચા સુરમાં ગાવાની ટેવ ન હોવાથી બહેનનો અવાજ તણાઇ ગયો… શ્રોતાઓને ખૂબ વિરોધ કર્યો કે આ કોને લઈ આવ્યા છો, ગાતા નથી આવડતું વગેરે વગેરે… બસ ત્યારથી બહેને નક્કી કરી લીધું કે હવે હું જ હાર્મોનિયમ વગાડું અને હું જ ગાઉ.. બીજા કોઈ વગાડે તો સંવાદિતા ન આવે અને આવી રીતે વિરોધનો સામનો કરવો પડે એમાંથી ઉગરવું જ રહ્યું!
ગુરુ રવજીભાઈ જોશીએ લોકસંગીતની સમજ આપી. લોકગીત કયા સુરમાં, કેવી રીતે ગવાય, ઢાળ લહેકો એ બધું જ જ્ઞાન મળ્યું. સમય જતાં શાસ્ત્રીય સંગીતની તાલીમ પીયૂબેન સરખેલ પાસે લીધી તે ઉપરાંત કાંતિભાઈ સોનછત્ર પાસે હાર્મોનિયમ શીખ્યાં.. વળી પ્રેરણાગુરુ કાનદાસ બાપુ કે નાનપણમાં જ્યારે બહેને એમને જોયા પણ નહોતા ત્યારથી મનોમન ખૂબ જ આદરભાવ સાથે એમને ખૂબ સાંભળ્યા છે અને એમની શૈલીમાં જ બહેન આજે ભજન ગાય છે. કાનદાસ બાપુ વિશે બહેન કહે કે બાપુ માટે ખૂબ જ આદરભાવ અને મર્યાદા પણ ખરી એ કારણે એમણે ગાયેલું કોઈ ભજન મારે ગાવું હોય તો એ કેવી રીતે ગવાય, એનો ઢાળ કે ભાવ વિશેના કોઈ સવાલ હોય તો બાપુને સીધું પૂછી ન શકતી પણ એમના સાન્નિધ્યમાં એમનું જ ભજન હું ગાઉ એ પછી બાપુ કહે કે આમાં, આમ આમ નહિ પણ આ રીતે ગાવું જોઈએ. આમ, હું ઘડાતી ગઈ.
સૌરાષ્ટ્ર-કચ્છમાં અસંખ્ય સ્ટેજ પ્રોગ્રામ ભજન, લગ્નગીત, સંતવાણી, લોકડાયરો દરેક ક્ષેત્રે લલીતાબેન છવાયા…
નેવુંના દાયકામાં શરુ થયેલા કેસેટ-સીડીના યુગે બહેનની કારકિર્દીને નવા જ આયામ પર ખડી કરી દીધી. 1994માં ટી-સીરીઝે ગુજરાતી સેક્શનની શરૂઆત કરી. સંગીતકાર પંકજભાઈ ભટ્ટ તૈયાર કરેલા બહેનના આલ્બમ કૃષ્ણ કનૈયો’ અને ભજન પ્રભાતિયા’ સુપરહિટ સાબિત થયાં કે જે આજેપણ એવરગ્રીન ગણાય છે. ત્યારબાદ અસંખ્ય આલ્બમ સમજો કે સાતસોથી આઠસો આલ્બમ અને આજ સુધીમાં લગભગ પાંચથી છ હજાર ગીત ગાઇ ચુક્યા છે.
અહીં સુધીની સફરની વાત દરમ્યાન અનેક સંઘર્ષો આવ્યાં. ક્ષેત્રીય રાજકારણ,સાધનોનો અભાવ, ટીકા અને નિંદા … એ બધું કેવી રીતે પચાવી ગયાં? એ વિશે બહેન કહે છે કે આજે આંગણમાં બબ્બે ગાડીઓ ઉભી છે પણ એક એવો સમય પણ હતો કે જ્યારે અંતરિયાળ ગામડાઓમાં વાહનની સુવિધા ન હોય ત્યાં ગાડામાં, છકડામાં, બેસીને પણ પ્રોગ્રામ સ્થળે પહોંચવું પડતું! ઘણીવાર સિનિયર કલાકારોને કારણે વારો જ ન આવે ત્યારે એમ માનતી કે હશે, કદાચ મારી જ પુરી તૈયારી નહિ હોય એટલે જ મને સ્ટેજ નહિ મળ્યું હોય. ઘણીવાર રાત્રે ત્રણ-ચાર વાગ્યે વારો આવે ત્યારે હું એમ માનું કે ચાર વાગે તો ચાર વાગે, સ્ટેજ તો મળ્યું ને! હું ખરા મનથી ગાવું એને જ મારી સફળતા સમજતી. વળી, ગાવા માટે કોઈ સમય ન હોય, જ્યારે આપણને ગાવાનું મળે એ જ મારો સમય! પિતાએ કહ્યું હતું કે સફળતા અને નિંદા એક સિક્કાની બે બાજુ છે, વળી, મોટા કલાકરોની સફળતા જોઈ ક્યારેય ઈર્ષ્યા ન કરવી બસ, એમની ખૂબીઓનો અભ્યાસ કરીને એમને આત્મસાત કરવી. હું મોરારીબાપુની એક વાત હંમેશા યાદ રાખું છું કે તમે જ્યારે સફળતાનાં બે પગથિયાં ચડશો ત્યારે નિંદાના દસ તીર તમારી સામે તાકવામાં આવશે જ.. હું મારી ટીકા કે નિંદાને પ્રોત્સાહક બળ તરીકે લઉ છું. લોકોની ફરિયાદ કે મારી ખામીઓ તરફ લોકોની ફરિયાદને હું ધ્યાનથી સાંભળું છું અને હતોત્સાહ થયા વગર એમાં સુધારો લાવવાની કોશિશ કરું છું, આમ, ટીકા એ મારે માટે બુસ્ટર ડોઝ જેવું છે. વળી, કલાકારોની હરીફાઈ, અંદરનું રાજકારણ એ બધા વચ્ચે મને મારા સિનિયર કલાકારોનો અઢળક પ્રેમ અને સ્વીકાર પણ મળ્યો જ છે, એ વાત હું કઈ રીતે ભૂલું! જીવનમાં એક તબક્કો એવો ય આવ્યો કે હું સદંતરપણે ગાવાનું જાણે કે વિસરી જ ગઈ..એ છ મહિના એવા રહ્યા કે મારા ગળામાંથી અવાજ જ ન નીકળે! હું તો સંપૂર્ણપણે માનતી થઈ ગઈ હતી કે હવે હું ક્યારેય ગાઈ નહિ શકું..તદ્દન નિરાશાનાં એ તબક્કામાં ભાઈ લક્ષ્મણબારોટે અને હેમંતભાઈ ચૌહાણે મને ખુબ જ હિંમત અને સાંત્વના આપ્યા. એ તબક્કામાંથી હું બહાર આવી હોઉં તો એનો બધો જ શ્રેય આ સહકલાકારોને જાય છે…!
(વધુ આવતા અંકે)