શ્રાવણ માસમાં હવે પછી અન્ય શ્રમજીવી વિસ્તારોમાં પણ મેડિકલ કેમ્પ યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
માનવ સેવા એજ પરમો ધર્મમાં માનનાર અને પોતાની સેવાકીય પ્રવૃતિઓ તેમજ કોઈપણ સમયે 24સ7 લોકોની મદદ કરવા તત્પર રહેતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા વધુ એક આરોગ્ય સેવાની પહેલ કરવામાં આવી હતી જેમાં મોરબીના શ્રમજીવી વિસ્તારોના શ્રમિક વર્ગ, સફાઈ કર્મચારીઓ તેમજ રોજનું કમાઈને રોજનું ખાતા હોય તેવા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સમર્પણ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ અને કેસર ફિજીયોથેરાપિસ્ટના સહયોગથી રવિવારે શ્રમજીવી વિસ્તાર (સાર્વજનિક પ્રા. શાળા, વણકરવાસ, મોરબી) ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીની ખ્યાતનામ સમર્પણ હોસ્પિટલના નામાંકિત ડોકટરો જેવા કે ઓર્થોપેડિક ડોક્ટર, સ્કિન ડોક્ટર, પીડિયાટ્રીશ્યન ડોક્ટર, જનરલ સર્જન, બ્લડ ગ્રૂપ ચેકઅપ માટે લેબોરેટરી ટીમ તથા કેસર ફિઝિયોથેરાપી સેન્ટર સહિતના ખ્યાતનામ ડોકટરોએ પોતાની સેવાઓ આપી હતી તેમજ ગરીબ વર્ગ માટે સરકારના આયુષ્યમાન ભારત કાર્ડ યોજના પર વિનામૂલ્યે અપાતી વિવિધ સેવાઓની યોગ્ય માહિતી લોકોને આપવામાં આવી હતી. આ મેગા મેડિકલ કેમ્પનો 400થી વધુ લોકો લીધો હતો. હાલ શ્રાવણ માસમાં હવે પછી અન્ય શ્રમજીવી વિસ્તારોમાં પણ મેડિકલ કેમ્પ યોજાશે તેવું યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું.