છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પારદર્શક રીતે પહોંચાડવા અધિકારીઓને તાકીદ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.25
- Advertisement -
મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ‘ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી’ (દિશા) ની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં ડિસેમ્બર-2025 ના અંત સુધીમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી ભૌતિક અને નાણાકીય કામગીરીની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આયુષ્માન ભારત (ઙખ-ઉંઅઢ) અને કિસાન સન્માન નિધિ જેવી મહત્વની યોજનાઓના લક્ષ્યાંકો સમયસર પૂર્ણ કરવા માર્ગદર્શન આપ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહાનગરપાલિકા, માર્ગ-મકાન અને આરોગ્ય વિભાગના વડાઓએ પ્રગતિ હેઠળના કામોનો અહેવાલ રજૂ કર્યો હતો. સાંસદે તમામ વિકાસકામોમાં પારદર્શિતા જાળવવા અને માળખાગત સુવિધાઓના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, એસપી મુકેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર તેમજ વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



