સરકારી યોજનાના લાભો મહત્તમ નાગરિકો સુધી પહોંચાડવા કલેક્ટરની સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ આગામી 22 નવેમ્બરથી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનારી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું સુચારૂ આયોજન કરવા અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના ગામડાઓ સુધી પહોંચાડવા પર ભાર મુક્યો હતો.
મહાનગરપાલિકા વિસ્તારમાં પણ આ યાત્રા અન્વયે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો સંબંધિતોને પહોંચાડવા અંગે આ બેઠકમાં ચર્ચા કરાઈ હતી. ધારાસભ્ય દર્શિતાબેન શાહે રૂડા વિસ્તારના માર્ગો, રાજકોટ-અમદાવાદ હાઈવે, એઈમ્સ હોસ્પિટલ ખાતે બસ સ્ટેન્ડ, શહેરની વિવિધ સરકારી હોસ્પિટલ્સની વિવિધ કામગીરી વગેરે અંગે રજૂ કરેલા પ્રશ્નોનો સત્વરે ઉકેલ લાવવા કલેક્ટરએ ઉપસ્થિતોને સુચના આપી હતી.
ધારાસભ્ય ડો. પાડલીયાએ ધોરાજી તથા ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં સિંચાઈનુ પાણી તાત્કાલિક છોડવા, ઉપલેટા નગરપાલિકા હસ્તકની એનિમલ હોસ્ટેલ, ગટરના પાણીના યોગ્ય નિકાલ તથા ભીમોરાના ચેકડેમનું સત્વરે સમારકામ કરવા અંગે રજૂઆત કરી હતી, જેનું નિયત સમય મર્યાદામાં નિરાકરણ લાવવા કલેક્ટરએ સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ રાજકોટ ખાતે સ્થપાનારા ટેકનિકલ સેન્ટર માટે 30 એકર જમીન ફાળવવા બદલ કલેકટર પ્રભવ જોશીની સરાહના કરી હતી. અને ઉમેર્યું હતું કે સૌરાષ્ટ્રના વિકાસ માટે આ સેન્ટર સીમાચિન્હરૂપ સાબિત થશે.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણાના કેમ્પ શહેરી વિસ્તારોમાં યોજવા અંગે, શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રો શરૂ કરવા અંગે, ગંભીર રોગો અંગેના નિ:શુલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવા અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં
આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ,પ્રાંત અધિકારીઓ સર્વ કે. જી. ચૌધરી, જે.એન. લીખીયા, રાજેશ આલ, સંદીપ વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સહિત ના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.