અમરેલી રહેતા પતિ, સાસુ અને સસરા સામે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં માવતરે રહેતી પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટનામાં અમરેલી રહેતા મૃતકના પતિ, સાસુ અને સસરા સામે મરવા મજબૂર કરવા અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના રૈયા ગામમાં પિતાના ઘરે સાત મહિનાથી રહેતા ઇલાબેન શિવરાજ વાળા ઉ.30એ રવિવારે સાંજે છતના હૂકમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો ઇલાએ તેના સાસરિયાંના ત્રાસથી કંટાળી પગલું ભર્યાનો પિતાએ આક્ષેપ કર્યો હતો દીકરીના આપઘાત અંગે પિતા અનકભાઇ જીલુભાઇ ધાંધલે ઉ.60એ અમરેલીના બાલાપુરમાં રહેતા તેના જમાઇ શિવરાજ વાળા, વેવાઇ રામકુ વાળા અને વેવાણ મીણુ ઉર્ફે ગજરા સામે દીકરીને મરવા મજબૂર કરવા અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પુત્રી ઇલાના લગ્ન શિવરાજ વાળા સાથે 31 જાન્યુઆરી 2023ના થયા હતા. લગ્ન બાદ સાસુ-સસરા કરિયાવરના મુદ્દે ત્રાસ આપતા હતા અને શિવરાજને ચડામણી કરતા હોય તે ઇલાને મારકૂટ કરતો હતો.
- Advertisement -
સાસરિયાંના ત્રાસથી કંટાળી ઇલા અગાઉ રિસામણે આવી ગઈ હતી, પરંતુ સમાધાન થતાં ફરીથી સાસરે જતી રહી હતી. તે પછી પણ સાસરિયાંનો ત્રાસ ચાલુ રહ્યો હતો સાત મહિના પહેલાં પતિએ ફરી મારકૂટ કરતાં ઇલાએ તેના પિતરાઇ ભાઇને ફોન કરી જાણ કરતાં નિલેશ તેને તેડી લાવ્યો હતો. ત્યારથી ઇલા પિતાના ઘરે હતી તેણી રિસામણે હોવા છતાં પતિ સહિતના સાસરિયાં અવાર નવાર ફોન કરી મેણાંટોણાં મારતા હતા અને છેલ્લા પંદર દિવસથી ત્રાસ વધી જતાં ઇલાએ કંટાળી અંતિમ પગલું ભરી લીધું હતું. આપઘાત કરતા પહેલાં પણ ઇલાએ પતિ શિવરાજને ફોન કર્યો હતો. પોલીસે મૃતકના પતિ, સાસુ અને સસરા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી.



