મંદિરમાં દાનના બહાને 100 ગ્રામ સોનાની છેતરપિંડી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
- Advertisement -
ધ્રાંગધ્રા શહેરના સોની બજારમાં આવેલી નીલકંઠ જ્વેલર્સના માલિક જીગ્નેશભાઈ ભોગીલાલભાઈ આડેસરા સાથે મંદિરમાં દાનના બહાને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 30 નવેમ્બરના રોજ એક અજાણ્યો શખ્સ નીલકંઠ જ્વેલર્સ ખાતે આવી પોતે મહેન્દ્રભાઈ સાવલિયા હોવાનું જણાવી જેગડવા ગામે ચાલતા સ્વામિનારાયણ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 50 ગ્રામ સોનાનું દાન કરવાનું તથા 50 ગ્રામ સોનુ પોતાના ઘર માટે ખરીદવાનું જણાવ્યું હતું. આ રીતે કુલ 100 ગ્રામ સોનુ ખરીદી કરી તેના બદલામાં ખાનગી બેંકનો રૂ. 13.47 લાખનો ચેક સોની વેપારીને આપ્યો હતો. ત્યારબાદ સોની વેપારીએ ચેકની તપાસ કરતાં તેમાં રકમનો ઉલ્લેખ ન હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે શખ્સને ફોન કરતા ફોન બંધ આવતાં વેપારીને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન શખ્સ પોતે મહેન્દ્રભાઈ સાવલિયા નહીં પરંતુ જેતપુર તાલુકાના થાણા ગલોલ ગામનો શૈલેષભાઈ છગનભાઈ ઉધાડ હોવાનું બહાર આવ્યું હતું. છેતરપિંડીનો ભોગ બન્યા બાદ સોની વેપારીએ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસના આધારે છેતરપિંડી આચરનાર શૈલેષભાઈ છગનભાઈ ઉધાડને ધ્રાંગધ્રા પોલીસે ઝડપી પાડી હાલ રિમાન્ડ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી ડાયાલિસિસ પર નિર્ભર
આ બાબતે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, છેતરપિંડી આચરનાર આરોપી શૈલેષભાઈ ઉધાડ ડાયાલિસિસ પર જીવતો હોવાથી તેને નિયમિત સારવારની જરૂર પડે છે. હાલ પોલીસ કસ્ટડી દરમિયાન પણ તેની સારવાર યથાવત રાખવામાં આવી છે, જેના કારણે મુદામાલ સહિતની વધુ પૂછપરછમાં અડચણ આવી રહી છે.



