ખાસ-ખબર સંવાદદાતા
થર્ટી ફસ્ટને લઈ બુટલેગરો સક્રીય સંઘ પ્રદેશ દિવની બોર્ડર ઉપર આવેલા ઉના પંથકમાં થર્ટી ફસ્ટને લઈ અત્યારથી જ દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રીય થયા હોવાનું ધ્યાને આવતા પોલીસ સતર્ક બની છે. આ દરમિયાન ઉનામાં પેટ્રોલીંગ કરી રહેલ એલસીબીની ટીમના રાજુ ગઢીયા સહિતના સ્ટાફને બાતમી મળેલ કે, મોટર સાયકલમાં ચોરખાનું બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેને લઈ એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા, પીએસઆઈ વી.કે.ઝાલા એ સ્ટાફ સાથે ઉના-દિવ રોડ ઉપર વોચ રાખી હતી. દરમ્યાન ઉના નજીક હાઈવે ઉપર નાગનાથ મંદિર પાસે એક શંકાસ્પદ મોપેડ સુઝુકી બર્ગમેન જીજે 32 એબી 391 પસાર થતા તેને રોકાવી તલાસી લેતા જે રીતે ચોરખાનું બનાવી દારૂ છુપાવવામાં આવેલ તે નિહાળી અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતા.ચોરખાનામાં દારૂની બોટલો છુપાવેલ મળી જેમાં મોપેડમાં બેસવાની સીટ નીચે પ્લાસ્ટીકના કવરની નીચેની જગ્યામાં તથા આગળ પગ રાખવાની જગ્યાએ પ્લાસ્ટીકના કવરથી ઢાંકી તેની નીચે બનાવેલ ચોરખાનામાં વિદેશી દારૂની બોટલો છુપાવેલ મળી આવી હતી. આ બંન્ને ચોરખાનામાં છુપાવેલ બોટલો બહાર કાઢી ગણતરી કરતા 47 જેટલી થયેલ જેની બજાર કિંમત રૂ.3 હજાર આસપાસ થતી હતી. આ દારૂના જથ્થાની હેરાફેરી કરનાર મોપેડના ચાલક બુટલેગર મોહીન ઉર્ફે મોન્ટી હુસેન બ્લોચ (ઉ.વ.21) રહે.રહીમનગર, ઉના વાળાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપી સામે ભૂતકાળમાં પણ ત્રણેક ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આ પકડાયેલ દારૂનો જથ્થો ક્યાંથી લઈ આવ્યો અને કોને આપવાનો હતો તે જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બાઈકમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઉનાથી ઝડપાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/12/bike-chor.jpeg)