ગોંડલ જૂથે ફોન કરનારને સીધો પોંખી લઇ રીબડામાં જ ધોકાવવાની ચીમકી આપી
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં હાઇવોલ્ટેજ ગણાતી ગોંડલ બેઠક પર ટિકિટ મેળવવા માટે ગોંડલ અને રીબડા જૂથ વચ્ચે ચાલી રહેલી કોલ્ડવોર હવે ચરમસીમાએ પહોંચી છે. ગોંડલ અને રીબડા જૂથના વ્યક્તિઓ વચ્ચે થયેલી ગાળાગાળી અને વાર્તાલાપની ત્રણ ઓડિયો ફરતી થતાં માહોલ તંગ થઇ ગયો હતો.
- Advertisement -
ફરતી થયેલી ત્રણ ઓડિયોમાં થયેલી વાતચીત મુજબ રીબડા જૂથના એક વ્યક્તિએ ગોંડલ જૂથના મોભીને મધરાત્રે ફોન કર્યો હતો, અને તે ફોનમાં ગોંડલ જૂથની ચોક્કસ વ્યક્તિ ખોટું કરી રહ્યાનું કહ્યું હતું, સામાપક્ષે નિદ્રામાંથી સફાળા જાગેલા ગોંડલ જૂથના મોભીએ નામ પૂછતાં જ ફોન કરનાર તે વ્યક્તિએ રૂબરૂ મળીશું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો, ત્યારબાદ ગોંડલ જૂથના એક યુવકે રીબડા જૂથના વડીલને ફોન કરીને રીબડા જૂથ દ્વારા મધરાત્રે કરાતા ફોન અયોગ્ય હોવાની વાત કરી હતી, રીબડા જૂથના મુખ્ય વ્યક્તિએ પણ આ બાબતે તપાસ કરાવી લઇશ તેવો જવાબ આપી વાત ટૂંકાવી હતી, જોકે ત્યારબાદ મામલો બિચક્યો હતો.
ગોંડલ જૂથના યુવકે તેના મોભીને ફોન કરનાર રીબડા જૂથના વ્યક્તિને ફોન કર્યો હતો અને જે વ્યક્તિના જોરે ફોન કરે છે તે વ્યક્તિ સાથે પણ વાત કરી છે અને હવે પછી કોઇ ટીખ્ખળ કરવામાં આવશે તો રીબડામાં આવીને ધોકાવીશ તેવી ચીમકી આપી હતી, આ વાર્તાલાપમાં ગોંડલ જૂથના યુવકે ગાળોનો વરસાદ વરસાવ્યો હતો, ગોંડલમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માટે ગોંડલ અને રીબડા જૂથ સામસામે આવી ગયું છે, અગાઉ બંને જૂથે એકબીજા પર અનેક આક્ષેપો કર્યા હતા, બંને વચ્ચે ચાલતી કોલ્ડવોર હવે ચરમસીમાએ પહોંચી છે તેવું ગોંડલ અને રીબડા પંથકમાં ચર્ચાઇ રહ્યું છે.
કોને ટિકિટ મળશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઇ જશે પરંતુ ટિકિટના મુદ્દે શરૂ થયેલી તંગદિલી આગામી દિવસોમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.