બજેટમાં ભલે ટેકસ ન વધે, ચીજવસ્તુના ઉંચા ભાવથી વધતો કરબોજ
ગુજરાતમાં કઠોળ 16 ટકા, શાકભાજી 9 ટકા અને અનાજમાં 9 ટકાના દરે ભાવ વધારો: હવે જીએસટી વસુલાત 12782 કરોડ વધીને 74597 કરોડો પહોંચશે
- Advertisement -
31મી માર્ચ 2024ના રોજ પૂરા થયેલા ગત નાણાકીય વર્ષમાં ગુજરાત સરકારને જીએસટી પેટે કુલ 61,815 કરોડની આવક થઈ હતી. જયારે આ વખતે રાજય સરકારને જીએસટી પેટે કુલ રૂપિયા 74597 કરોડની ધરખમ આવક થયાની છે. જે 2023-24ની સરખામણીમાં 2024-25ની જીએસટીની આવકમાં 13,782 કરોડ એટલે કે 21 ટકાનો વધારો થવાનો છે.
આ વધારો ગુજરાતમાં પ્રવર્તતી કમરતોડ મોંઘવારીનું પરિણામ હશે. આમ, રાજય સરકાર ભલે એમ કહે કે, તેણે તેના બજેટમાં પ્રજા ઉપર કોઈ વધારાનો ટેકસ-બોજ વધાર્યો નથી પરંતુ રાજયમાં વધતી જતી મોંઘવારીના કારણે દરેક મોંઘી થયેલી ચીજવસ્તુઓની ખરીદી પાછળ દરેક નાગરિકને જે વધારે રકમ ચૂકવવી પડે છે અને તેવી દરેક વધારાની ચૂકવણી તે રાજય સરકારની જીએસટીની આવકમાં વધારો કરનારી સાબિત થાય છે.
અર્થાત એમ કહી શકાય કે, ગમે તે સરકારો ભલે વધતી મોંઘવારી માટે મગરના આંસુ સારતી દેખાય પણ વાસ્તવમાં આવી વધેલી કે વધતી મોંઘવારી દરેક નાગરિકના પોકેટમાંથી વધેલી મોંઘવારી જેટલા વધુ રૂપિયાનો ખર્ચ કરાવે છે અને લોકો દ્વારા થતાં આ વધારાના ખર્ચથી સરકારની જીએસટીની આવકમાં ભારે વધારો કરે છે.
- Advertisement -
હાલ દેશમાં 5.08 ટકા મોંઘવારીના દરની સામે ગુજરાતમાં સરેરાશ 5.18 ટકા મોંઘવારી છે. જે દેશની સરેરાશ કરતાં પણ વધુ છે. હાલની સ્થિતિએ ગુજરાતમાં કઠોળના ભાવોમાં કુલ સૌથી વધુ મોંઘવારી 16 ટકા જેટલી વધારે છે ત્યારબાદ શાકભાજીના ભાવમાં સરેરાશ 9.32 ટકાનો વધારો થયો છે.
એવી જ રીતે અનાજ અને તેની બનાવટોના ભાવોમાં સરેરાશ 8.75 ટકાનો વધારો થયો છે. ખાંડ, આરોગ્ય-શિક્ષણ સહિતની વિવિધ વસ્તુઓ ઉપર પણ ધરખમ ભાવ વધારો થયો છે. આ તમામ વસ્તુઓ સીધી કે આડકતરા વેરા હેઠળ જાય છે અને એટલે વધતી મોંઘવારી રાજય સરકારની આવકમાં બખ્ખાં કરાવી રહી છે.
ગુજરાત સરકારને ગત 2022-23ના વર્ષમાં જીએસટી પેટે કુલ 52,154 કરોડની આવક થઈ હતી. 2023-24માં જીએસટી પેટે 61,815 કરોડની આવક થઈ હતી પરંતુ આ વખતે રાજય સરકારે વધતા ઈનફલેશન રેટ-મોંઘવારીના દરને જોતા એવો અંદાજ મૂકયો છે કે, તેને આ વખતે વર્ષ 2024-25માં જીએસટી પેટે કુલ 74,597 કરોડ જેટલી આવક થશે.
જે 2023-24 કરતાં 12,782 કરોડ જેટલી વધુ હશે એટલે કે સરકાર વધતી મોંઘવારીના કારણે ગુજરાતની પ્રજાના ખિસ્સામાં ગત વર્ષ કરતા 12,782 કરોડ વધારાના સેરવી લેશે. મોંઘવારીને કારણે ગુજરાત સરકારને માત્ર જીએસટીની સીધી આવકમાં તો લાભ થશે જ પરંતુ સ્ટેટ ટેકસ-વેટમાં પણ 2100 કરોડ, સ્ટેમ્પ ડયુટી-રજિસ્ટ્રેશન ફીના આવકમાં 1000 કરોડ, વ્હીકલ ટેકસની આવકમાં 417 કરોડનો વધારો થશે.
હવે અહી ચોંકાવનારી બાબત એ છે કે, આ વખતે રાજય સરકારને સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં પણ 7 ટકાનો વધારો થવાનો છે. એનો સીધો અર્થ એ તારવી શકાય કે, સ્ટેમ્પ ડયુટી-રજિસ્ટ્રેશન ફી, એ જમીન-મિલકતોની લે-વેચ ઉપર થતાં દસ્તાવેજો ઉપર લાગતો ટેકસ છે.
અર્થાત સરકાર જાણે છે કે, આ વખતે જમીન અને મિલકતોના ભાવોમાં પણ ભારે ઉછાળો આવવાનો છે. જેના કારણે મોંઘી થયેલી મિલકતોના દસ્તાવેજો ઉપર પ્રાપ્ત થનારી સ્ટેમ્પ ડયુટી અને રજિસ્ટ્રેશન ફીની આવકમાં પણ સરકારને 7 ટકાના વધારા લેખે લગભગ 1000 કરોડનો સીધો લાભ થવાનો છે.