વરસાદી માહોલ વચ્ચે સિંહ ગામમાં આવી ચડતા ગ્રામજનોમાં ફફડાટ
ખાસ-ખબર સંવાદદાતા
છેલ્લા ત્રણેક દિવસથી ગીર સોમનાથ જિલ્લા અને જંગલ વિસ્તારમાં વરસાદી માહોલ બંધાયો છે એવા સમયે જંગલના રાજા એવા ડાલમથ્થા સિંહ ગ્રામ્ય માનવ વિસ્તારમાં આવી ચડી શેરીઓમાં લટાર મારી રહ્યાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો ગીર જંગલ નજીક આવેલ તાલાલા ગીરના જાંબુર ગામનો છે. જેમાં ગામની શેરીમાં લટાર મારતા સિંહના દ્રષ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ સામે આવ્યા છે. જેના પગલે ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી છે.હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી મેઘરાજા ગીર જંગલ અને ગીર સોમનાથ જિલ્લા ઉપર મહેરબાન થઈ હેત વરસાવી રહ્યા છે. એવા સમયે જંગલના રાજા એવા ડાલમથ્થા સિંહ એક ગામની શેરીમાં લટાર મારી રહ્યાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ દ્રષ્યો સામે આવ્યા છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ ગીર જંગલની બોર્ડર પર આવેલ જિલ્લાના તાલાલા ગીર તાલુકાના જાંબુર ગામમાં બેએક દિવસ પહેલા મોડીરાત્રીના સમયે એક ડાલમથ્થો સિંહ આવી ચડ્યો હતો. બાદમાં સિંહ ગામની શેરીમાં લટાર મારી આંટાફેરા કરી રહ્યો હતો. જેમાં એક દ્રષ્યમાં સિંહ શેરીમાં આવેલ એક મોટા મકાનના ફળીયામાં અંદર પ્રવેશી આંટો મારી પરત બહાર નીકળતા કેદ થયો હતો.આ તમામ દ્રશ્યો ગામની શેરીઓમાં અમુક મકાનમાં લાગલે સીસીટીવી કેમેરામાં કેદ થઈ સામે આવ્યા છે. જેને લઈ ગ્રામજનોમાં ફફડાટની લાગણી પ્રસરી છે. તો આ જાંબુર ગામ જંગલની બોર્ડર ઉપર વસેલું હોવાથી કાયમી સિંહોના ધામા રહે છે અને ઘણીવખત સિંહો ગામમાં અબોલ પશુઓનો શિકાર કરી મિજબાની પણ માણતા જોવા મળ્યા છે.