વન વિભાગની સજાગતાથી સિંહબાળને સલામત બહાર કાઢયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના ગીરનાર જંગલમાંથી ખોરાકની શોધમાં અનેકવાર સિંહ પરિવાર શહેર તરફ આવી ચઢે છે. ત્યારે વધુએક ઘટના સામે આવી છે. જેમાં વન અધિકારી અક્ષય જોષી જણાવ્યુ હતુ કે, શહેરનાં ગ્રોફેડ વિસ્તારમાં એક સિંહ પરિવાર આવી ચડેલ જેમાં બે સિંહબાળમાંથી એક સિંહબાળ વિખુટુ પડી ગયુ હતુ અને બાજુમાં આવેલ એક કુવામાં ખાબકયુ હતુ. આ બાબતની જાણ સ્થાનિક માલધારીએ વન વિભાગને કરતા વન વિભાગના આરએફઓ ભાલીયા સહિતનો સ્ટાફ બનાવ સ્થળે પહોંચી ગયો હતો.
ગ્રોફેડ પાસેના એક 60 ફુટ ઉંડા કુવામાં સિંહબાળ પડી જતા વન વિભાગે રેપીડ રેસ્કયુ શરૂ કર્યુ હતુ અને 15 મિનીટમાં સિંહબાળને કુવામાંથી બહાર કાઢવામાં આવ્યુ હતુ. આ કામગીરીમાં ફોરેસ્ટર ડી.આર.સોલંકી, ફોરેસ્ટ ગાર્ડ એ.બી.રાઠોડ, કે.જી.ખાચર, અને ટ્રેકર રાજુ રાવલીયા તેમજ સાલેમીયા કાદરી રેસ્યુક ઓપરેશનમાં જોડાયા હતા.