વનવિભાગ દ્વારા પાંજરૂ ગોઠવી દેવાયું
ખાસ-ખબર સંવાદદાતા
ગિરજંગલના વન્ય પ્રાણી અવાર નવાર સીમ વાડી વિસ્તારમાં આવી જતા હોય અને મુંગાપશુઓના મારણ કરી ચાલ્યા જતા હોય છે. ત્યારે સનખડા ગામમાં ભીડ ભંજન દાદા વાડી વિસ્તારમાં મોડી રાત્રીના દીપડો આવી ચઢતા રેઢીયાળ વાછરડા ઉપર હુમલો કરી મારણની મિજબાની માણી હતી. જેથી આ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાઇ ગયેલ હતો.
સનખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા કાળુભાઇ ભીખાભાઈ લેવાની વાડીમાં મોડી રાત્રીના સમયે દિપડો આવીને રેઢીયાળ વાછરડા ઉપર હુમલો કરી મારણ કર્યુ હતું. અને બાદમાં મારણની મિજબાની હતી.
આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ રહેણાંક બનાવી લીધુ હોય તેમ અવાર નવાર રાત્રીના સમયે વાડીમાં આંટાફેરા કરતા હોય છે ત્યારે ખેડૂતોને વહેલી સવારે પાંચ વાગ્યે લાઈટનો વારો હોવાથી નાછુટકે ખેતી પાક તેમજ પશુઓને નિરણ પાણી આપવા જતી વખતે વાડીમાં વન્યપ્રાણી દિપડાનો ભય રહે છે.
અગાઉ પણ ભીડ ભંજન દાદા વાડી વિસ્તારમાં દિપડાએ બાળક પર હુમલો કર્યો હતો. આ અંગેની જાણ વનવિભાગને કરતા પાંજરૂ ગોઠવી દેવામાં આવ્યુ હતું.