ગઈકાલે કથાના વ્યાસપીઠેથી પૂ. ભાઈશ્રી ઓઝાએ સત્સંગનું માનવજીવનમાં મહત્ત્વ સમજાવ્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રામભાઈ મોકરીયા પરિવારના યજમાનપદે, લોકસેવાર્થે યોજાયેલ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ- ભાગવત કે રામકથાની ગઈકાલે પૂર્ણાહુતી થઈ હતી. મર્મજ્ઞ કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના વ્યાસાસને યોજાયેલ ભાગવત-રામાયણ કથા હજારો સુરી શ્રોતાઓ માટે યાદગાર બની ગઈ હતી. આ કથાને સાર્વત્રિક વ્યાપક આવકાર મળ્યો છે.
ગઈકાલે કથામાં વ્યાસપીઠેથી પૂજ્ય ભાઈશ્રીએ સત્સંગનું માનવ જીવનમાં મહત્વ સમજાવ્યું હતું, તુલસીદાસજી કહે છે કે સત્સંગ જેવું કોઈ સુખ નથી, શુકદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવે છે, જીવન પરિવર્તન માટે આ કથા સત્સંગ પાંડવ કુળનો ઇતિહાસ બની જાય છે, સુખાંત દુ:ખાંત નો અંત છે, આ બધું અંતવંત છે.
સુખના સમયમાં સાવધાન રહો, દુ:ખમાં મન ડગે નહીં, ડરો નહીં, દેહનો પણ અંત નિશ્ચિત છે. જીવનના અંતે જેવી તમારી મતી, તેવી તમારી ગતિ. હરિકા ભજન કરો, હરિ હે હમારા – સુખ દુ:ખ મિટાવવા માટે હરિ ભજન જરૂરી છે. માનવીનું પૂર્ણ આયુષ્ય ભજન સમર્પિત થાય તો મોહની દુનિયામાંથી માનવી મુક્ત થાય. શ્ર્વાસ પણ જીવવા માટેનું યુદ્ધ છે, જીવવા માટેનો આજીવન સંઘર્ષ છે. ભગવાનનું શ્ર્વાસે-શ્ર્વાસે સ્મરણ કરો. 12માં સ્કંધમાં હરે રામ મહામંત્ર છે, એક મંત્રમાં સોળ નામ છે, દરરોજ 16 માળા કરો, ઇચ્છિત ફળ મળશે.
ત્રિકાળ સંધ્યા સમાન શ્રેષ્ઠ સત્કર્મ બીજું એકેય નથી, સૂર્યનારાયણ બ્રાહ્મણોના ગુરુ છે, સંધ્યા ન કરે એને સૂર્યનારાયણ શાપ આપે છે. બ્રાહ્મણ ત્રણ દિવસ સંધ્યાહન રહે તો એ શુદ્ર છે. ત્રિકાળ સંધ્યાનો મહિમા મોટો છે. સંધ્યા સમાજ શ્રેષ્ઠ કર્મ બીજું એકેય નથી. પ્રાત: સંધ્યાથી રાત્રિનું પાપ નષ્ટ થાય છે. મધ્યાહનની સંધ્યા અન્નજળનો દોષ દૂર કરે છે, સાયં સંધ્યા દિવસનું પાપ નષ્ટ
કરે છે.
સંધ્યામાં સૂર્યનારાયણનો જાપ કરતા કરતા જગદંબા ગાયત્રીનું ધ્યાન કરવાનું છે. સંધ્યામાં ગાયત્રી માતાને આવાહન કરવાનું છે કે, માં! તમે મારા હૃદયમાં પધારો, પાપથી મારું રક્ષણ કરો. સંધ્યામાં અધમર્ષણ કરવાનું હોય છે, ત્રિકાળ સંધ્યા કરનાર કદી મૂર્ખ રહેતો નથી, દરિદ્ર રહેતો નથી.