શ્રવણ માટે ઉમટ્યો માનવ મહેરામણ, શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ ખાતે યોજાયેલી વિરાટ સનાતન હિન્દુ સંમેલન ધર્મસભામાં જગદગુરુ દ્વારકા શારદાપીઠાધિપતિ સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજના પ્રવચનને સાંભળવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. ધાર્મિક ગર્જનાથી નગર ગુંજી ઉઠ્યું હતું. હળવદ બ્રાહ્મણ ભોજનશાળાથી વાજતે ગાજતે શોભાયાત્રા શરુ થઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ શોભાયાત્રા શિશુમંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જ્યાં આ ધાર્મિક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- Advertisement -
પ્રવચનમાં શંકરાચાર્યજીએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ ‘માતૃદેવો ભવ’ અને ‘પિતૃદેવો ભવ’ની છે, જેમાં વૃદ્ધાશ્રમને કોઈ સ્થાન હોવું જોઈએ નહીં. તેમણે વધુમાં કહ્યું કે, 84 લાખ યોનિમાં ભટક્યા પછી મળેલું માનવ જીવન અમૂલ્ય છે, તેથી તેનો ઉપયોગ સદ્કર્મ માટે કરવો જોઈએ.
તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં આપણે વિમાનના પાઈલટ પર ભરોસો કરીએ છીએ, પણ સૃષ્ટિને ચલાવનાર પરમાત્મા પર ભરોસો કરતાં નથી. પરમાત્માને ભૂલી જવું એ જ સૌથી મોટી વિપત્તિ છે.
શંકરાચાર્યજીએ શ્લોકો, મંત્રો અને રામાયણની ચોપાઈઓનું ઉદાહરણ આપતાં શિસ્તબદ્ધ સંસ્કારનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે શ્રીરામે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરીને દર્શાવ્યું કે કેવી રીતે સંસ્કૃતિનું પાલન કરવું. ધર્મસભામાં શહેરના અગ્રણીઓ, સંતો-મહંતો અને અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શંકરાચાર્યજીનું પુજન અને સ્વાગત હળવદ ઔદીચ્ય બ્રાહ્મણ સમાજ તથા સનાતન હિન્દુ ધર્મ રક્ષક સમિતિના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.