થોરાળા પોલીસના PI ભાર્ગવ ઝણકાટની સરાહનીય કામગીરી
105 લિટર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં દેશી દારૂના વેચાણ પર અંકુશ લાવવા થોરાળા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ત્યારે થોરાળા વિસ્તારમાં બુટલેગરોમાં ભયનો માહોલ સર્જાયો છે, એટલું જ નહીં પણ મોટા બુટલેગરો તો ભૂગર્ભમાં જ ઉતરી ગયા છે. થોરાળા પોલીસ મથકના પી.આઈ. બી. એમ. ઝણકાટ સહિતના સ્ટાફે થોરાળામાં અગાશી પર દેશી દારૂનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી પાડી સરાહનીય કામગીરી કરી હતી.
છતાં કેટલાક લોકો તો દેશી દારૂના બંધાણીઓને મુક્તમને દારૂ પી શકે તે માટે તમામ સુવિધાઓ પૂરી પાડતા છાનેખૂણે બાર પણ ચાલુ કર્યા છે. આવા જ એક દેશી દારૂના બાર ઉપર થોરાળા પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાટ સહિતના સ્ટાફે ગોકુલપરા-1માં પ્રવીણ ઉર્ફે સીતારામ ચના મકવાણાના મકાનની અગાશી પર દરોડો પાડ્યો હતો.
દારૂનો ધંધાર્થી પ્રવીણ ઉર્ફે સીતારામ તેમજ દારૂ પીવા આવેલા રાહુલ જીવા પરમાર, યશ વિજય ભાડેશિયા, હેમંત રણછોડ લીંબડિયાને પકડી પાડી 105 લિટર દેશી દારૂ, નાની સોડાની 50 બોટલ વગેરે મળી કુલ રૂ.2350નો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૂનો ધંધાર્થી પ્રવીણ ઉર્ફે સીતારામ દેશી દારૂમાં ફ્લેવર ભેળવી પ્યાસીઓને વેચતો હતો. તેમજ પ્યાસીઓને બેસવાની અને નાસ્તાની સુવિધાઓ પણ પૂરી પાડતો હતો. પોલીસના દરોડા સમયે ઘરમાંથી કંઇ હાથ ન લાગે તે માટે પ્રવીણ ઉર્ફે સીતારામે અગાશી પર પ્યાસીઓને બોલાવી સુવિધાઓ પૂરી પાડતો હોવાની કેફિયત આપી હતી.
થોરાળા પોલીસની સુઝબુઝ અને સતર્કતાના કારણે દારૂનો ધંધો કરતાં તેમજ દારૂ લેવા આવતા શખ્સોને ઝડપી પાડ્યા હતા.