ખાસ-ખબર સંવાદદાતા
તા. 29 સપ્ટેમ્બરથી તા. 12 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ બપોર સુધીમાં હોકીની વિવિધ રાજ્યોની ટીમો જેમાં તામિલનાડુ, ઝારખંડ (મેલ અને ફિમેલ બંને), હરિયાણા, ઓડિસા ફિમેલ ટીમ, કર્ણાટક ફિમેલ ટીમ તથા સ્વિમિંગમાં સર્વિસીઝ અને કર્ણાટકની મેલ ટીમ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ અને રેલ્વે જંકશન ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અન્ય રાજ્યોની ટીમો આજે રાજકોટ આવી રહી છે.
અહીં એ યાદ અપાવીએ કે હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. 2થી 11 ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. 2થી 8 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. રાજકોટ આવી પહોંચેલી અને હવે આવી રહેલી તમામ ટીમો તેમજ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે પણ આગમન સ્વાગતની તૈયારી કરી લેવામાં આવેલ છે. સાથોસાથ તેઓને રહેવા માટે જરૂરી હોટેલની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, આહાર વગેરે આયોજન કરવામાં આવેલું છે. ગત રાત્રે જુદા-જુદા સમયે આવી પહોંચેલી ટીમો માટે મોડી રાત બાદ વહેલી સવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
મ્યુનિ. કમિશનર અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર આશિષ કુમાર, એ. આર. સિંહ અને ચેતન નંદાણી તેમજ સહાયક કમિશનર વાસંતીબેન પ્રજાપતિ, એચ. આર. પટેલ, સમીર ધડુક, જસ્મીનભાઈ રાઠોડ વગેરે અધિકારીઓ તેમજ તેઓની ટીમો સતત કાર્યરત છે.