આજે રાત્રે 8:30 કલાકે પ્રખ્યાત કલાકારોનો ભવ્ય લોકડાયરો
ખાસ-ખબર સંવાદદાતા
રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કરતા ત્રિકોણ બાગ કા રાજા ગણેશ મહોત્સવનો મંગળવારે સવારે 10:30 કલાકે દબદબાભેર પ્રારંભ થયો હતો. ઢોલ, નગારા શરણાઈના સુર અને દર્શનીય આતશબાજી વચ્ચે શહેરની મધ્યમાં આવેલા ત્રિકોણબાગ ચોક ખાતે માનતાના દેવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત દુંદાળા દેવની પ્રતિમાના અલૌકિક દર્શન ખુલ્લા મુકાતા જ શહેરીજરોનું આગમન ત્રિકોણબાગ કા રાજાના પંડાલ ખાતે શરૂૂ થયું હતું.
આ તકે શહેરના રાજકીય અગ્રણીઓ, સામાજિક, સેવાકીય સંસ્થાના હોદ્દેદારોએ પ્રથમ દિવસે વિઘ્નહર્તાના દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે સાંજે ઇસ્કોન મંદિરના સંતો દ્વારા કીર્તન ધૂનની રમઝટ બોલી હતી જ્યારે સવા આઠ કલાક સાધુ સંતો રાજકીય સામાજિક અગ્રણીઓના વરદ હસ્તે પ્રથમ મહા આરતી યોજાઇ હતી. રાત્રે 8:30 કલાકથી પ્રારંભ થયેલા ગણેશ વંદના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા શહેરીજનોની હકડેઠઠ્ઠ ભીડ જામી હતી.
ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ઘોઘુભા જાડેજા, વોર્ડ નંબર એકના કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, વોકહાર્ટ પરિવારના પ્રફુલભાઈ કામાણી, પ્રશાંત અગ્રવાલ, જયદીપ ખોજીજી, વૈષ્ણવ સેવા પ્રભુજી, અખિલ નંદાદેવી, નૈષધભાઈ પંડ્યા સહિતના મહાનુભાવોના હસ્તે પ્રથમ દિવસની મહા સંધ્યા આરતી સંપન્ન કરવામાં આવી હતી.
આજે તારીખ 20 ને બુધવારે મહા સંધ્યા આરતી બાદ રાત્રે 8:30 કલાકે જાહેર જનતા, ભક્તો માટે નામી કલાકારોનો ભવ્ય લોકડાયરો યોજાશે. ત્રિકોણ બાગ કા રાજા કમિટી તેમજ જીમ્મીભાઈ અડવાણીએ આજના દર્શન આરતીનો લાભ લઇ ડાયરાની રંગત માણવા શહેરીજનોને જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.