ખાસ-ખબર સંવાદદાતા
મોરબી જીલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા વિજયાદશમીના પર્વ ઉપર વર્ષોની પરંપરા મુજબ ભવ્ય રેલી કાઢીને શક્તિ માતાજીના મંદિરે પહોંચીને શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના લોકોએ મોટી સંખ્યામાં જોડાઈને શહેરમાંથી રેલી કાઢતા તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું. મોરબીમાં દશેરા નિમિતે વર્ષોની પરંપરા મુજબ ક્ષત્રિય સમાજ દ્વારા સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં વિવિધ શસ્ત્રો ધારણ કરી વાહનોમાં બેસીને આ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન તલવારબાજીના કરતબો કરવામાં આવ્યા હતા અને આ રેલીનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી જ્યાં ક્ષત્રિય સમાજના લોકોએ પરંપરાગત સાફા ધારણ કરીને મોટી સંખ્યામાં પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.