ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વેલનાથ બાપુની જન્મ જયંતી નિમિત્તે રાજકોટ શહેરના આંગણે અષાઢી બીજના પાવન દિવસે સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને જાજરમાન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અદ્ભુત શોભાયાત્રામાં સંતો, મહંતો, રાજકીય મહાનુભાવો, સામાજિક શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિ, બિલ્ડરો, શિક્ષકો, વિવિધ સરકારી કર્મચારીઓ, કોળી સમાજના ચાલતા વિવિધ મંડળો, ગ્રુપો, સંસ્થાના આગેવાનો, ધુન-મંડળો, મહિલા મંડળોના અનેક લોકો જોડાયા હતા. જય વેલનાથ જય જગન્નાથના ચારેબાજુ નારા ગુંજી ઉઠ્યા હતા. આ દિવ્ય શોભાયાત્રાનું ચોકે-ચોકે અન્ય સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સેવા નગરી રાજકોટ વેલનાથમય બન્યું હતું. વિશાળ સંખ્યામાં વાહનોમાં બેટી બચાવો, રક્તદાન મહાદાન, વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો, શિક્ષણ જાગૃતિ અભિયાન, ચક્ષુદાન આવા સ્લોગનોવાળા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં આશરે 9000 લોકો જોડાયા હતા. શોભાયાત્રા સમાપન બાદ 7000 લોકોએ મહાપ્રસાદ લીધો હતો. આ શોભાયાત્રા અને મહાપ્રસાદ દરમિયાન સમસ્ત કોળી સમાજના આગેવાનોએ એકત્રિત થઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માધાપર ચોકડીનું કોળી ઠાકોર ચોક વહેલી તકે નામકરણ કરે તેની ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.



