હાલ નવરાત્રી ચાલી રહી છે. માં અંબાની આરાધનામાં માઈ ભક્તો સમર્પણ ભાવથી સાધના અને રાસ ગરબા લઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં રામાપીર ચોક પાસે સ્વપનલોક સોસાયટીમાં ગરબી મંડળની બહેનો એ રામાયણનું ભવ્યાતિભવ્ય નાટક રજુ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સ્વપ્નલોક સોસાયટીની પ્રાચીન ગરબીમાં બાળાઓ દ્વારા અવનવા પરંપરાગત રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. બહેનો દ્વારા નવરાત્રી દરમ્યાન તલવાર રાસ, બેડલું રાસ, શ્રી કૃષ્ણ રાસ, અઠંગા રાસ સહિત સાંસ્કૃતિક નાટકો રજૂ કરવામાં આવે છે.
સ્વપનલોક સોસાયટીના ગરબી મંડળના આયોજકો દ્વારા બાળાઓ તેમજ બહેનોને નિત્ય લહાણી કરવામાં આવે છે. આ મહોત્સવમાં હેતલબેન શુકલાએ કોરીયોગ્રાફરની સેવા આપી હતી. જયારે એસોસીએશનના પ્રમુખ સમીરભાઈ શુકલા અને ઉપપ્રમુખ નાનજીભાઈ ભોરણીયાના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કમીટીના સભ્યો અમીતભાઈ તેજુરા, મહેશભાઈ શાહ, ભરતભાઈ વેકરીયા, જીતુભાઈ માણેક, વિશાલ વિઠલાણી અને રાજુભાઈ વિષ્નુ આ મહોત્સવ માટે જહેમત ઉઠાવી રહયા છે. સંપુર્ણ પારીવારીક માહોલમાં યોજાઈ રહેલા નવરાત્રી મહોત્સવમાં ગીત સંગીત અને ગરબાનો ત્રીવેણી સંગમ જોવા મળી રહયો છે. રોજેરોજ માતાજીની આરતી તે પછી ગરબા અને અંતે બાળાઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. બાળાઓને આકર્ષક લ્હાણી પણ વિવિધ દાતાઓ તરફથી આપવામાં આવી રહી છે.