નંદોત્સવ સાથે મટકીફોડનો ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.21
જુનાગઢના વંથલી તાલુકાના ખોરાસા ગામે દર વર્ષની જેમ આ વર્ષે આગામી તા. 27 મંગળવારના રોજ નંદોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. ખોરાસા ગામે ભગવાન વેંકટેશનું 150 વર્ષ જૂનું પ્રાચીન દેવસ્થાન આવેલું છે અહી નંદોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેમાં જન્માષ્ટમીના બીજા દિવસે દક્ષિણ ભારતની પરંપરા મુજબ નંદ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ભગવાન પોતે આ મહોત્સવને માણવા શાહી સવારી સાથે નીકળે છે બાદમાં નંદોત્સવ અને મટકીફોડનો ઉત્સવ મનાવવામાં આવે છે જેમાં ગામના જ યુવાનો ભાગ લે છે
- Advertisement -
અહી મોટા મેદાનમાં મોટો કુંડ બનાવવામાં આવે છે આ કુંડની વચ્ચે 30 ફૂટ ઉંચો સ્તંભ મૂકવામાં આવે છે તેની ઉપર મટકી તેમજ ભગવાનનો પ્રસાદ રાખવામાં આવે છે આ સ્તંભમાં માખણ અને ગ્રીસની સાથે ભીંડી ના પાણી જેવા ચીકણા પદાર્થો લગાડવામાં આવે છે છતાં પણ મટકી ફોડવા તેમજ પ્રસાદ લેવા માટે આ સ્તંભ પર ચડવા માટે 11 યુવાનો ભાગ લે છે અને આ યુવાનોને ઉપર ચડતાં રોકવા માટે સામે હરીફ પક્ષે 21 યુવાનો જે ઉપર ચડતાં યુવાનો પર પાણી ઉડાડી તેમને રોકવાનો પ્રયાસ કરે છે આમ ઘણા પ્રયાસો પછી યુવાનો મટકી ફોડવામાં સફળ રહે છે. આમ આ ગામ ગોકુળિયું બન્યું હોય તેવો માહોલ સર્જાય છે આશરે 150 વર્ષથી ઉજવાતી આ પરંપરાગત મહોત્સવને માણવા ખોરાસા તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.