ચાતુર્માસની શરૂઆતે 1100થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની હાજરી
ખાસ-ખબર ન્યૂઝ પાલિતાણા
- Advertisement -
જૈન ધર્મની પવિત્ર નગરી પાલિતાણાના આદપુર સિદ્ધવડ ખાતે આજે ભવ્ય જૈન ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ચાતુર્માસના પાવન આરંભે અંદાજે 1100થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો તથા આરાધકોની ઉપસ્થિતિમાં પવિત્રતા અને ભક્તિભાવથી યુક્ત કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે આચાર્ય હેમવલ્લભ સૂરીશ્વરજી મહારાજ, લબ્ધિવલ્લભ વિજયજી મહારાજ તથા યશરત્ન વિજયજી મહારાજની નિશ્રામાં ધાર્મિક પ્રવચનો તેમજ ચાતુર્માસના સંકલ્પો લેવામાં આવ્યા. ચાતુર્માસ દરમિયાન 99 યાત્રા, શિબિર અને ઉપધાન તપ જેવા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે. આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહી ધાર્મિક પ્રસંગનો લાભ લીધો.
માન્યતા મુજબ સિદ્ધવડ તે પવિત્ર ભૂમિ છે જ્યાં હજારો વર્ષ પહેલાં કરોડો સાધુઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. તેથી ચાતુર્માસ દરમ્યાન અહીં આરાધનાનું વિશેષ મહત્વ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત આરાધકો આત્મસાધનાના માર્ગે આગળ વધવા સંકલ્પબદ્ધ બન્યા. આ સમગ્ર કાર્યક્રમ કાંતિલાલ રમણીકલાલ શાહ અને પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન સમાજના અગ્રણીઓ તથા સ્થાનિક સભ્યોનું પણ સહકાર મળ્યો. જૈન સમાજ દ્વારા હાથ ધરાતી આવી ધાર્મિક પ્રવૃત્તિઓ માત્ર આસ્તિકતા જ નહીં, પણ સમાજસેવાના ઉદ્દેશે પણ પ્રેરણાસ્ત્રોતરૂપ સાબિત થાય છે.