પ્રબોધમ જૂથનાં કાર્યક્રમમાં 55 હજારથી વધુ હરીભક્તોની હાજરી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યક્રમમાં હાજરી આપી
સોખડા વિવાદ બાદ છુટા પડેલા પ્રબોધમ જૂથ અને પ્રેમસ્વામી જુથ દ્વારા 22 મેએ વડોદરા અને સુરત ખાતે હરિપ્રસાદ સ્વામીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે કાર્યક્રમ રાખીને શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જેમાં પ્રબોધસ્વામી જૂથે આજવા રોડ સ્થિત લેપ્રસી મેદાન ખાતે ગુરૂભક્તિ મહોત્સવ યોજ્યો હતો.જેમાં 55થી 60 હજાર ભક્તો આવ્યા હતાં. તો સુરતમાં પ્રેમસ્વામી જુથે ગુરૂહરી પ્રાગટ્ય મહાપર્વની ઉજ્યો હતો. જેમાં 50 હજાર ભક્તો હતાં. પ્રબોધમ જૂથ દ્વારા લેપ્રસી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મોટી સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ રવિવારે રાત્રે 10 વાગે લેપ્રસી મેદાન ખાતે ગુરૂભક્તિ મહોત્સવમાં પહોંચ્યા હતાં. જ્યારે બંનેએ સુરત પ્રેમસ્વરૂપ જૂથના કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સથી સંદેશો પાઠવ્યો હતો. લેપ્રસી મેદાન ખાતે ઉપસ્થિત સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલે પ્રબોધસ્વામીને પુષ્પમાળા અર્પણ કરી હતી. જ્યારે ફુવાજી તેમજ કાકુજીએ સીએમને પુષ્પમાળા તેમજ મોમેન્ટો અર્પણ કર્યો હતો. કાર્યક્રમમાં જૈનાચાર્ય નયપદ્મસાગરજી મહારાજે જણાવ્યું કે, ગુરૂ પ્રબોધે ગુરુ સાંનિઘ્યમાં રહી જીવનને નિર્મળ અને પવિત્ર બનાવ્યું છે. આજે હું ગર્વ અને ખુમારી સાથે કહું છું કે ગુરૂ પ્રબોધની પરંપરાની અંદર મહાધર્મ સંઘ ખુબ આગળ વધશે. જ્યારે સર્વમંગલ સ્વામીએ જણાવ્યુ હતું કે, ભાજપમાં રહેવા છતા નરેન્દ્ર મોદીના ગુણ ના ગવાતા હોય તો સમજવું કે ભાજપ છોડવું જોઈએ. આમ સાધુ (પ્રબોધસ્વામી)ના ગુણ ગાવા સમૃધ્ધીને છોડી સાધુની ગોદમાં આવ્યા છે.
- Advertisement -
હાઈકોર્ટમાં સમાધાન પૂર્વે ભક્તિ પ્રદર્શન થયું
વડોદરા શહેરના અનસૂયા લેપ્રસિ ગ્રાઉન્ડ ખાતે 60,000થી પણ વધુ હરિભક્તો દેશ-વિદેશથી પ્રબોધસ્વામી જૂથ દ્વારા ગુરુભક્તિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં બંને પક્ષે હાઈકોર્ટમાં સમાધાનની વાત ચાલી રહી છે. ત્યારે સમાધાન પૂર્વે બંને પક્ષો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રબોધસ્વામી જૂથ દ્વારા આ શક્તિ પ્રદર્શન નહીં પરંતુ ભક્તિ દર્શન હોવાનું જણાવ્યું હતું.
ગુરુભક્તિ મહોત્સવમાં આ લોકો રહ્યા ખાસ ઉપસ્થિત
શહેરના આજવા રોડ ખાતે આવેલા અનસૂયા લેપ્રસિ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુરુભક્તિ મહોત્સવમાં દેશવિદેશથી પ્રબોધસ્વામી જૂથના હજારો ભાવિ ભક્તો પહોંચ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અદયક્ષ સી. આર. પાટિલ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, મેયર, શહેર ભાજપ અધ્યક્ષ સહિત વિવિધ ધર્મના ધર્મગુરુઓ, ધારાસભ્યો સાથે અનેક મહાનુભવોની ઉપસ્થિત રહ્યા હતા.