ભક્તિનગર પોલીસે 5 મહિલા સહીત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી
ગત સોમવારે નાગરિક બેન્ક ચોક પાસેથી લગ્ન પ્રસંગમાં જઈ રહેલા વૃદ્ધાની નજર ચુકવી 34 તોલા સોનુ અને 26 તોલા ચાંદીના દાગીનાની ચોરી કરનાર સાત આરોપીની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં ગત 12 ડિસેમ્બરના રોજ ઇન્દુબેન કાંતીલાલ વાઘેલા ઉ.વ.-69 નામના વૃધ્ધા તેમના પરીવારના સભ્યો સાથે જસદણ લગ્ન પ્રસંગમાં જવા માટે નાગરીક બેન્ક ચોક બસ સ્ટોપથી બોટાદની બસમાં બેસીને જસદણ જવા નીકળ્યા ત્યારે તેમના હાથમાં કાપડની થેલી હતી તે થેલીમાં પ્લાસ્ટીકના ડબ્બામાં હતા (1) ત્રણ સોનાના સેટ બુટ્ટી સાથે (2) સોનાની ત્રણ ચેઇન (3) ચાંદીના ત્રણ-કંદોરા વિગેરે સોના-ચાંદીના દાગીનાઓનો ડબ્બામાં રાખેલ હતા. સોરઠીયા વાડી સર્કલ પાસે બસ પહોંચતા ફરીયાદીને આ દાગીનાનો ડબ્બો પોતાના પર્સમાં જોવામાં મળ્યો નહીં. જેથી તેઓ આજીડેમ ચોકડી પાસેથી બસ માંથી ઉતરી આ બનાવની જાહેરાત પોલીસને આપતા વૃધ્ધાની ફરીયાદ લઇ ભકિતનગર પોલીસ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન પોલીસે નાગરીક બેન્ક ચોકના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા ફુટેજમા જે રીક્ષાના નંબર પરથી રીક્ષા ચાલકને શોધીકાઢી તેઓની પ્રાથમિક પુછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી છે.
ચોરી કરી ફૂટપાથ પર સુઈ જતાં !
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ અલગ અલગ જગ્યાએ અલગ-અલગ શહેરોમાં ચોરીઓ કરવા માટે જતા હોય છે. રેલ્વે સ્ટેશનની બહાર ફૂટપાથ ઉપર સુતા રહે છે ત્યારબાદ બસ ટ્રેન તેમજ ભીડભાડ વાળી જગ્યાઓ ઉપર મોકો મળે ત્યારે લોકો પાસે રહેલ સર-સામાન નજર ચુકવીને કાઢી લેતા હોય છે અને જે ચોરીમાં દાગીના રૂપીયા મળે તેનો તુરતજ ભાગ પાડી તેઓ વીખેરાઇ જતા હોય છે. આ બનાવમાં આરોપી બહેન મીરા, સુમન, સંગીતા તથા જીજાબાઇ ચારેય મહીલાઓએ ચોરી કરી હતી.