શાસ્ત્રી મેદાન સામે એવરેસ્ટ બિલ્ડિંગના 9માં માળે જુગાર રમતા 25 શખસ ઝડપાયા
2,85,000 રોકડા કબ્જે કરતી એ ડિવિઝન પોલીસ
ખાસ-ખબર સંવાદદાતા
શહેરમાં ક્રાઇમનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઇ રહ્યો છે. દરરોજ આપણને સમાચારપત્રોમાં શહેરમાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃતિઓ થતી હોવાના અહેવાલો વાંચવા મળતા હોય છે. ત્યારે ફરી એક વખત પોલીસે કાબીલેદાદ કાર્યવાહી કરી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા ઘોડી પાસાની ક્લબ ઝડપી પાડવામાં આવી છે. એ ડિવિઝન પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં ઘોડી પાસાની કલબ ચાલતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જે અંતર્ગત એ ડિવિઝન પોલીસ દ્વારા એવરેસ્ટ બિલ્ડિંગમાં 9માં માળે 906 નંબરની ઓફીસમાંથી કલબ ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 25 જુગારીઓ સહિત 2,85,000 રોકડા કબ્જે કરવામાં આવ્યા હતા. મોહસીન પઠાણ દ્વારા ઘોડી પાસાની ક્લબ ચલાવવામાં આવતી હોવાનું ખુલ્યુ હતું. ઓફિસ પર વેરા વસુલાત શાખાનું સ્ટીકર લગાવવામાં આવ્યું હતું. ઓફિસની બહાર કચરાપેટીમાંથી ખાલી દારૂની બોટલો પણ મળી આવી હતી.