સાતમા વર્ષે 25 માતા-પિતા વિહોણી દીકરીઓના શાહી લગ્ન 21 ડિસેમ્બરે યોજાશે
25 દીકરીઓને વોશિંગ મશીન-ફ્રિઝ સહિત 200થી વધુ વસ્તુઓનો કરીયાવર અપાશે
- Advertisement -
કડવા પટેલ, નાથાભાઈ કાલરીયા અને મોઢ વણિક સમાજની ત્રણ સખીઓ મુખ્ય યજમાન બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દેશ-વિદેશમાં જાણીતું રાજકોટનું ’દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ’ છેલ્લા 28 વર્ષથી માવતરોની સેવા સાથે જે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે, તેમાંની સૌથી વિશેષ પ્રવૃત્તિ એટલે ’વહાલુડીના વિવાહ’. છેલ્લા સાત વર્ષથી પ્રતિવર્ષ ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી દીકરીઓના ભવ્ય અને જાજરમાન લગ્નનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ’વહાલુડીના વિવાહ 8’નું આયોજન આગામી 21 ડિસેમ્બર, રવિવારના રોજ કરવામાં આવ્યું છે, જેમાં કુલ 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. સંસ્થાના સ્થાપક મુકેશ દોશી, અનુપમ દોશી, સુનિલ વોરા, નલિન તન્ના, કિરીટ આદરોજા સહિતના ટ્રસ્ટીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્ન નહીં, પરંતુ સમૂહ લગ્નથી પણ વિશેષ સવાયા લગ્ન છે. જે રીતે એક શ્રીમંત વ્યક્તિ પોતાની લાડકવાયી દીકરીને પરણાવે તેવા શાહી લગ્નનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે તમામ 25 દીકરીઓને વોશિંગ મશીન, ફ્રિજ સહિતની 200થી વધુ વસ્તુઓના સમૃદ્ધ કરીયાવર દાતાઓના સહયોગથી આપવામાં આવનાર છે, જેની છેલ્લા બે માસથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે ‘વહાલુડીના વિવાહ 8’ ના મુખ્ય યજમાન તરીકે ત્રણ ખાસ સખીઓ સહભાગી બનનાર છે, કડવા પટેલ સમાજના એન્જલ પંપવાળા આદરોજા પરિવારના વર્ષાબેન કિરીટભાઈ આદરોજા, જાણીતા ઉદ્યોગપતિ નાથાભાઈ કાલરીયા પરિવારના નીપાબેન રાજુભાઈ કાલરીયા, મોઢ વણિક સમાજ રાજકોટના કોશાબેન સુનિલભાઈ મહેતા હશે.
દીકરાનું ઘરની 171 કાર્યકર્તાઓની ટીમમાંથી મહિલા કમિટીની 61 સમર્પિત બહેનોમાં આ આયોજનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફાલ્ગુનીબેન કલ્યાણી, ડો. ગીતાબેન વોરા, કાશ્મીરા દોશી, પ્રીતિ વોરા સહિત 61 બહેનોની ટીમ દીકરીઓ માટે ઉત્તમ કરિયાવર, બ્યુટી પાર્લરની વ્યવસ્થા, મહેંદી રસમ, ક્ધયાદાન અને લગ્નના દિવસે ધરવામાં આવતા અનકોટ-મામેરા સહિતની તમામ કામગીરીમાં એવી રીતે લાગી ગઈ છે, જાણે તેઓ પોતાની દીકરી, નણંદ કે બેનને પરણાવી રહ્યા હોય. સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટીઓ મૌલેશભાઈ પટેલ, શિવલાલભાઈ આદરોજા, વલ્લભભાઈ સતાણી, પ્રતાપભાઈ પટેલ સહિતના આગેવાનો સમગ્ર આયોજનને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.



