ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના રણજીતગઢ ગામના પાટીયા પાસે ગત મોડી રાત્રીના માળીયા તરફ જઈ રહેલા તેલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યાની આસપાસ રણજીતગઢના પાટીયા પાસે તેલ ભરેલા ટેન્કરની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેના કારણે ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું જેથી કરીને થોડીવાર માટે એક તરફનો રસ્તો બંધ કરી દેવાની ફરજ પડી હતી જોકે આગ લાગતા ડ્રાઈવર સમય સૂચકતા દાખવી ટેન્કરમાંથી નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. આ ઘટનાને પગલે હળવદ નગરપાલિકા અને એલ એન્ડ ટી ની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.