ખાસ-ખબર સંવાદદાતા
મોરબીની નવયુગ સ્કૂલમાં અચાનક એક રૂમમાં આગ લાગી હતી જો કે શોર્ટ સર્કિટથી આગ લાગ્યાની જાણ થતાં તુરંત જ પ્રિન્સિપાલ સહિતના હાજર સ્ટાફે સમય સુચકતા વાપરી જાત મહેનતે જ આગ ઓલવી નાખતા સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. મોરબીનાં ક્ધયા છાત્રાલય રોડ ઉપર આવેલ નવયુગ સ્કૂલના એક રૂમમાં વાયરીગમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી જેથી સ્કૂલ મેનેજમેન્ટે સ્કૂલમાં રહેલા અગ્નિ શામક સાધનો વડે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને મોટાભાગની આગ ઓલવી નાખી હતી.
ફાયર બ્રિગેડ પહોંચ્યું ત્યારે માત્ર વર્ગખંડમાં ધુમાડો જ બચ્યો હતો. આમ છતાં ફાયર બ્રિગેડ સ્ટાફે ત્યાં પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં શિક્ષકો અને શાળાના સ્ટાફે ફાયર સાધનો ચલાવવા અંગેની લીધેલી તાલીમથી આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ શાળાના શિક્ષકો અને સ્ટાફે આગને કાબૂમાં લઈ લીધી હતી.