ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તારીખ 30 મે 2025ના રોજ ગુજરાતના સિનેમા ઘરોમાં સંઘર્ષ, લાગણીઓ તેમજ કાઠીયાવાડી સંસ્કૃતિથી ભરપૂર ફિલ્મ કાઠીયાવાડી ટેલ્સ રિલીઝ થઈ રહ્યું છે. આ માત્ર ફિલ્મ નથી આપણા સમાજ સામે પોતાની જાતને ઓળખવાની એક યાત્રા છે. આ ફિલ્મ ત્રણ અલગ-અલગ કથાઓનો સમૂહ છે. જેમાં આ ત્રણ કથાઓ દ્વારા સંઘર્ષ, લાગણી તેમજ સંસ્કૃતિ ભરેલું સાહિત્ય દર્શાવવામાં આવેલું છે.
પ્રથમ કથાની વાત કરીએ તો આ કથા પાર્થ તેમજ ધારા નામના કિરદારની છે, જેમાં આ બંને પોતાના પ્રેમ માટે સમાજના બંધનો તોડે છે, જેનો વિરોધ તેનો ભાઈ વિરાજ કરે છે જેની પ્રતિષ્ઠા આ બાબતે દાવ ઉપર લાગે છે. બીજી વાર્તા છે મેરી નામની એક એનઆરઆઈ યુવતીની છે, જે વિદેશથી પોતાના પિતાને શોધવા કાઠીયાવાડ આવે છે, જેના પિતા સમગ્ર ગ્રામજનોને લૂંટીને નાસી ગયા છે જેના સહારે શ્યામ નામનો એક રિક્ષાવાળો આવે છે જે તેની સાથે ભૂતકાળથી જોડાયેલો છે.ત્રીજી વાર્તામાં અભિમન્યુ નામનો એક બિઝનેસ ટાઈકુનનો દીકરો છે જેને પોતાના બિઝનેસ કરતાં ચિત્રકાર બનવામાં વધુ રુચિ છે.
- Advertisement -
આ ત્રણેય વાર્તાઓને ખૂબ જ સુંદર રીતે કંડારી કાઠીયાવાડી રીતે રજૂ કરવામાં આવી છે. જેમાં પ્રમુખ કલાકારો તરીકે આકાશ ત્રિવેદી (આર.જે.) જે શ્યામ તરીકે રજૂ થયેલા છે. મેરી તરીકે દિશા માનવાણી, અભિમન્યુ તરીકે મિશેલ ત્રિવેદી, પાર્થ તરીકે દર્શન સોની, ધારા તરીકે નિવેદિતા મુખી, વિરાજ તરીકે વિરાજ પાટડીયા દ્વારા અભિનિત કરવામાં આવેલા છે. આ ફિલ્મના દિગ્દર્શક અભિષેક મનોજભાઈ પંડ્યા પ્રોડ્યુસર તરીકે રેખાબેન તેમજ કોમલબેન મંગરોળીયા તેમજ રીસેટ એન્ટરટેનમેન્ટ લિમિટેડ દ્વારા આ ફિલ્મનું પ્રોડકશન કરવામાં આવેલું છે.આજરોજ ‘ખાસ-ખબર’ની મુલાકાતે આવનાર વિરાજ વિજયભાઈ પાટડીયાની વાત કરીએ તો તેઓ આ ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી રહ્યા છે. અમદાવાદ તેમજ મુંબઈ જેવા શહેરોમાં એક્ટિંગનો અનુભવ લીધો છે. તેમની આવનાર મુવી કાઠીયાવાડી ટેલ્સમાં તેઓએ પ્રથમ વખત વિલનનો રોલ કરેલો છે. આ મુવી દરેક કાઠીયાવાડીએ જોવું જોઈએ તેવું તેમનું માનવું છે. તેઓ નાનપણથી શાહરુખ ખાન, વિજય સેતુપથી જેવા કલાકારોથી ખૂબ જ પ્રેરિત છે. તેઓએ કાઠીયાવાડી જનતાને 30 મેના રોજ રિલીઝ થતી કાઠીયાવાડી ટેલ્સ ફિલ્મ જોવા માટે તેમજ કાઠીયાવાડના રંગમાં રંગાઈ જવા માટે આમંત્રિત કર્યા છે.