તાલુકા શિક્ષણ અધિકારી ખરેખર અજાણ છે કે પછી નાટક કરે છે?
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
રાજ્યમાં નકલી ટોલનાકું, અધિકારી, હોસ્પિટલ, પોલીસ અધિકારી સહિત એક બાદ એક નક્લીનું કૌભાંડ ખુલ્યું જાય છે તેવામાં હાલમાં જ રાજ્યના એક શહેરમાં નકલી સ્કૂલ હોવાનું પણ સામે આવ્યું હતું ત્યારે આ પ્રકારનો કિસ્સો ધ્રાંગધ્રા ખાતે પણ પ્રકાશમાં આવ્યો છે જેમાં શહેરના કુડા ચોકડી નજીક હાલમાં જ નિર્માણ થયેલ ઈમારતમાં નાના બાળકો માટે સ્કૂલ ખોલવામાં આવી હતી. જ્યારે આ સ્કૂલ બાબતે શિક્ષણ વિભાગની પરમિશન જ મળી નહિ હજવ છતાં સ્કૂલ રાબેતા મુજબ શરૂ કરી દેવાઈ છે એટલે કે શિક્ષણ વિભાગની પરમિશન વગર સ્કૂલ શરૂ થઈ ચૂકી છે. દરરોજ અહી બાળકો પણ અભ્યાસે આવે છે અને શિક્ષકો પણ બાળકોને અભ્યાસ કરાવે છે. આજદિન સુધી સ્કૂલ પર કોઈ નામઠામ પણ સામે આવ્યું નથી જ્યારે આ સ્કૂલ મામલે ધ્રાંગધ્રા તાલુકાના શિક્ષણ અધિકારી જગજીવનભાઇ ભલગામડીયાને સાથે ટેલીફોનીક વાતચીત કરાઈ ત્યારે તેઓ દ્વારા આ પ્રકારની કોઈ વાત ધ્યાને નહિ હોવાનું સ્પષ્ટ જણાવી દીધું જોકે છેલ્લા ત્રણેક મહિનાથી સ્કૂલ ધમધમી રહી હોવા છતાં પણ તાલુકા શિક્ષણ અધિકારીને જાણ નહિ હોય ? કે પછી જાણ નહિ હોવાનું માત્ર નાટક રચતા હશે ? ત્યારે આ સ્કૂલની ઇમારત નિર્માણ પૂર્ણ કાર્ય બાદથી જ સ્કૂલ શરૂ કરી દેવામાં આવી હતી જ્યારે સ્કૂલમાં બી.યુ પરમિશન કે ફાયર સેફ્ટી નહિ હોવાના લીધે પરમિશન રદ કરાઇ હોવાની પણ ચર્ચા છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા રદ કરેલી સ્કૂલની પરવાનગી છતાં પણ છેલ્લા કેટલાય મહિનાથી શિક્ષણ વિભાગના નાક નીચે આ પરવાનગી વગરની નકલી સ્કૂલ ધમધમી રહી છે.
- Advertisement -
લિટલ બ્લ્યુ એન્ડ યલ્લો’ સ્કૂલનો લૂલો બચાવ
‘ખાસ – ખબર’ દ્વારા જ્યારે આ સ્કૂલ સંચાલક મોહનભાઈ સાથે ટેલીફોનીક વાતચીત કરી ત્યારે તેઓ દ્વારા પોતાની સ્કુલનું નામ “લિટલ બ્લ્યુ એન્ડ યલો” સ્કૂલ જણાવ્યું હતું અને સાથે નર્સરી સ્કૂલ અંગે શિક્ષણ વિભાગની કોઈ પરમિશન લેવાની આવતી નહિ હોવાનું પણ જણાવી પોતાનો લૂલો બચાવ કર્યો હતો. જોકે પોતાના બચાવમાં માત્ર નર્સરી (એલ.કે.જી – યુ.કે.જી) અભ્યાસક્રમ ચાલુ હોવાની વાત કરી હતી પરંતુ ખરેખર અહી પ્રાથમિક શાળાનો પણ અભ્યાસ શરૂ હોવાની વાત સામે આવી છે. રાજ્ય શિક્ષણ વિભાગના ગત વર્ષના પરિપત્ર મુજબ દરેક નર્સરી, યુકેજી અથવા એલ.કે.જી અભ્યાસની નવી સ્કુલના પરમિશન માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે જેમાં આ સ્કૂલ દ્વારા હજુ કોઈ ઓનલાઇન અરજી નહિ કરી હાઇવે છતાં પણ સ્કૂલ શરૂ કરી બાળકોનો અભ્યાસ પણ શરૂ કરી દેવાયો છે.