અરજદારો દ્વારા રજૂ કરેલ પ્રશ્ર્નોનું ઝડપથી નિરાકરણ કરવા માટે સૂચના
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25
સુરેન્દ્રનગર જિલ્લામાં અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેકટર કે. સી. સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લેન્ડ ગ્રેબિંગ, સ્વચ્છતા, જમીન માપણી જેવા જુદા જુદા 13 પ્રશ્નોમાં હકારાત્મક નિરાકરણ કરાયું હતું. આ તકે કલેકટરે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ – માર્ગદર્શન આપ્યુ હતું. તેમજ અરજદારો દ્વારા રજૂ થયેલા પ્રશ્નો ઝડપથી ઉકેલાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના પણ આપી હતી. આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર આર. કે. ઓઝા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મિલન રાવ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ તથા અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત- ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવી રહ્યું છે. પ્રતિમાસ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે.
- Advertisement -
સમગ્ર રાજ્યમાં દર મહિનાના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવે છે. જે પ્રશ્નોનું આ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજદાર નાગરિકો અને સંબંધિત અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેનું નિરાકરણ લાવવામાં આવે છે.



