કથામૃત :
એક સાધુ નદીકિનારે પોતાનાં કપડાં મૂકીને નદીમાં સ્નાન કરવા માટે ગયા. ભગવાનનું નામસ્મરણ કરતા કરતા એમણે સ્નાન પૂર્ણ કર્યું. નદીમાંથી થોડું પાણી લોટામાં ભરીને સૂર્યનારાયણને અંજલિ પણ આપી. સ્નાનવિધિ પૂરી કરીને એ નદીકાંઠે રાખેલા પોતાનાં કપડાં લેવા માટે આવ્યા. એમણે જોયું તો કપડાં ગંદાં થઈ ગયા હતાં. નદીકિનારા પર નાનાં બાળકો રમતાં હતાં અને આ બાળકો ગંદાં પગ સાથે દોડાદોડી કરી રહ્યાં હતાં એમાં જ અજાણતા બાળકોના પગ કપડાં પર પડતાં કપડાં ગંદાં થયાં હતાં. સાધુને આ વાત સમજાય ગઈ એટલે એ, દૂર કપડાં ધોતી બાળકોની માતાને ખિજાયા અને ઘણું ન બોલવાનું પણ બોલ્યા. સાધુના બરાડા સાંભળીને બાળકનો પિતા પણ ત્યાં આવ્યો અને સાધુને વાણી પર વિવેક રાખવા માટે વિનંતી કરી. સાધુ તો સતત તાડૂક્યે જ જતો હતો. પછી તો પેલો પુરુષ પણ ક્રોધે ભરાયો અને સાધુને ગાળો આપવાની શરૂઆત કરી. સામે સાધુએ પણ ગાળોવાળી કરી. બંને ગાળો બોલીને થાક્યા એટલે એકબીજાને મારવા પર ઊતરી આવ્યા. આ મારામારીમાં પેલા પુરુષે સાધુને માથામાં કોઈ બોથડ પદાર્થ માર્યો અને સાધુનું મૃત્યુ થયું. સાધુ ઉપર ગયા એટલે ત્યાં પણ બૂમાબૂમ કરવા લાગ્યા કે, મારે ભગવાનને મળવું છે. ક્યાં છે એ ? બોલાવો એને મારે ફરિયાદ કરવી છે. દૂતો સાધુને ભગવાન પાસે લઈ ગયા એટલે સાધુએ ભગવાનને ફરિયાદ કરતા કહ્યું, તમારે ત્યાં કંઈ ન્યાય જેવું છે કે નહીં. હું કેટલાં વર્ષોથી તમારી સેવા પૂજા કરું છું. અરે ! મેં તમારા માટે મારું ઘર, મારો પરિવાર બધું જ છોડીને સંન્યાસ લીધો. મેં તમારા માટે આટલું કર્યું અને તમે મને બચાવવા માટે પણ ન આવ્યા? ભગવાને કહ્યું, જો શાંતિથી સાંભળ. તું મુશ્કેલીમાં છો એવા સમાચાર મળતા હું તરત જ તારી મદદ માટે આવી પહોંચ્યો હતો. નદીકાંઠે આવીને ઊભો રહ્યો. પણ હું નક્કી ન કરી શક્યો કે, તમારા બંનેમાંથી સાધુ કોણ છે?
બોધામૃત
- Advertisement -
વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની જાત પર સંયમ રાખે એ સજ્જન. પરમાત્મા આવા સજ્જનોની મદદ કરવા માટે હંમેશા હાજર જ હોય છે, પણ આપણે જ પ્રભુને ક્ધફ્યુઝ કરી દઈએ છીએ. બહારથી જુદો દેખાતો હોય અને અંદરથી જુદો હોય એવા દંભી માણસથી પરમાત્મા દૂર રહે છે.
અનુભવામૃત
ઓહ ! માણસને તો જુઓ ! અંદર શેતાનને છુપાવીને બહારથી દેવદૂત હોવાનો ઢોંગ કરે છે! -શેક્સપિયર