દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાટીયા નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા ભગીરથભાઇ ત્રિવેદી વ્યવસાયે વકીલ છે અને બાજુમાં આવેલા શહેર જામકલ્યાણપુરમાં એમની પ્રેક્ટિસ કરે છે. ભગીરથભાઇના લગ્ન કુમુદબેન સાથે થયા હતા. આજથી 22 વર્ષ પહેલા આ બ્રાહ્મણ દંપતિને ત્યાં એક દીકરીનો જન્મ થયો. દીકરી હિના માત-પિતાની લાડકી દીકરી હતી. દંપતિએ એક માત્ર સંતાન એવી આ દીકરીને જ દીકરો માનીને ઉછેરી અને એના સારા અભ્યાસની તમામ વ્યવસ્થા કરી.
દીકરી હજુ તો 12 વર્ષની થઇ ત્યાં કુમુદબેન કીડનીની બિમારીને કારણે મૃત્યુ પામ્યા. નાની દીકરી હિના મા વગરની થઇ ગઇ. કુમુદબેનના અવસાન પછી ભગીરથભાઇએ પિતાની સાથે સાથે માતાની ભૂમિકા પણ ભજવી. દીકરીને માની ખોટ ન સાલે એની પુરતી તકેદારી રાખી અને દીકરીને ખૂબ સારી રીતે ભણાવી ગ્રેજ્યુએશન કારવ્યું. દીકરી હિના દાદા-દાદી અને પિતા સાથે મોટી થવા લાગી. સમયાંતરે દાદા અને દાદીએ પણ આ જગતમાંથી વિદાય લીધી. પરિવારમાં હવે માત્ર બાપ દીકરી બે જ વધ્યા જે એકબીજાના સહારે જીવનનૈયાને હંકારી રહ્યા હતા.
હિના ઉંમરલાયક થતા એના લગ્નનો સમય આવ્યો. પિતાએ દીકરી માટે સારું ઘર અને સારો મુરતિયો જોવાની શરુઆત કરી દીધી. દીકરીને પિતાની ખૂબ ચિંતા થતી હતી કે હું સાસરે ચાલી જઇશ પછી પપ્પા એકલા થઇ જશે. એક દિવસ તો દીકરીએ હિંમત ભેગી કરીને પિતાને કહી દીધું, પપ્પા, કાલે સવારે હું સાસરે ચાલી જઇશ પછી તમારું શું થશે ? પપ્પા, મારી ઇચ્છા છે કે તમે લગ્ન કરી લો. જુવાનજોધ દીકરીનો આ પ્રેમ જોઇને પિતાની આંખો ભીની થઇ ગઇ. એણે દીકરીને આશ્વાસન આપતા એટલું જ કહ્યુ, બેટા, એકવખત તને પરણાવી દઉં પછી હું વિચારીશ.
ગોંડલના પરાગ મહેતા નામના એક સંસ્કારી યુવક સાથે હિનાના લગ્ન થયા. (પરાગ મારો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ખૂબ ડાહ્યો છોકરો છે.) હિના પરણીને હવે સાસરે આવી. મહેતા પરિવારે પુત્રવધુને દીકરી જેવો પ્રેમ આપ્યો. પોતાને તો બીજો પરિવાર મળી ગયો પણ પપ્પાને હવે એકલતા કેવી કોરી ખાતી હશે ? આ વિચાર આવતા જ હિનાએ એના પતિ અને સસરાને પોતાના મનની વાત કરી. સાસરીયા પક્ષે પણ વહુની આ વાતને વધાવીને વેવાઇને પરણાવવાના કામમાં સહયોગ આપવાનું નક્કી કર્યું. એક દીકરીએ પિતા માટે યોગ્ય પત્નીની શોધ આદરી. તમે દીકરી માટે જીવનસાથી શોધતા પિતાને જોયા હશે પણ અહીં તો પિતા માટે એક દીકરીએ જીવનસાથી શોધવાની શરુઆત કરી.
ભગીરથભાઇ માટે એક ઉત્તમ પાત્ર મળી ગયું અને એ હતા જામનગરના હેમાબેન. હેમાબેન પણ ત્યાગ અને સમર્પણની સાક્ષાત મૂર્તિ. માતા-પિતાના અવસાન પછી ભાઇ-બહેનોને સાચવવાની જવાબદારી હેમાબેનની હતી. ભાઇ બહેનને થાળે પાડવાની જવાબદારી સુપેરે નિભાવી શકાય એ માટે હેમાબેને પણ લગ્ન નહોતા કર્યા. આ યોગ્ય પાત્ર સાથે પિતા ભગીરથભાઇને પરણાવ્યા ત્યારે જ દીકરી હિનાના હૈયે શાંતિ વળી.
એક દીકરી પિતાની એકલતા ભાંગવા માટે સમાજની એક, બે ને ત્રણ કરીને પિતાને પ્રૌઢાવસ્થાએ પરણાવે છે અને એક દીકરી એના નાના-ભાઇ બહેનોને થાળે પાડવા માટે ખુદનો સંસાર માંડવાનું માંડી વાળે છે. છે ને સ્ત્રીની મહાનતા ?
દિકરી એટલે આ દુનિયાની સૌથી સુંદરત્તમ ભેટ.
-લોરેલ એથરટન
માની જેમ પિતાની સંભાળ લેતી દીકરી
