ભારતે UNHRCમાં માનવાધિકારના દંભ અને લઘુમતીઓના અત્યાચાર માટે પાકિસ્તાનની ટીકા કરી હતી, જેના જવાબમાં પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર ભારત પર આરોપ લગાવ્યો હતો. આ વિનિમય પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર અશાંતિ વચ્ચે થયો હતો, જ્યાં દમન અને અપૂર્ણ માંગણીઓ સામેના વિરોધ હિંસક બન્યા છે, જેના કારણે મૃત્યુ અને સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનની આકરી ટીકા કરીને તેને આડે હાથ લીધુ અને ફિટકાર લગાવી છે. ભારતીય રાજદૂત મોહમ્મદ હુસૈને બુધવારે જિનેવામાં આયોજિત 60મા સત્રની 34મી બેઠકમાં કહ્યું કે, ‘આ વિડંબના છે કે પાકિસ્તાન જેવો દેશ માનવાધિકારો પર બીજાઓને જ્ઞાન આપવાની હિંમત કરે છે, જ્યારે તેના પોતાના જ દેશમાં લઘુમતીઓ પર સતત અત્યાચાર થઈ રહ્યા છે.’ હુસૈને સ્પષ્ટ કહ્યું કે, ‘પાકિસ્તાને પ્રચાર ફેલાવવાને બદલે પોતાના ઘરની પરિસ્થિતિ સુધારવી જોઈએ અને લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારોનો સામનો કરવો જોઈએ.’
- Advertisement -
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર નૈતિકતાનો ઢોંગ કરે છે
બેઠક દરમિયાન અન્ય વક્તાઓએ પણ પાકિસ્તાનના માનવાધિકાર ઉલ્લંઘન પર સવાલ ઉઠાવ્યા હતા. ભૂ-રાજકીય સંશોધક જૉશ બોવ્સે બલુચિસ્તાનમાં કથિત ઉત્પીડનનો મુદ્દો ઉઠાવ્યો અને જણાવ્યું કે, પાકિસ્તાન સંવેદનશીલ સમુદાયોને દબાવે છે અને આંતરરાષ્ટ્રીય મંચો પર નૈતિકતાનો ઢોંગ કરે છે.
પાકિસ્તાનમાં 700થી વધુ લોકો ઈશનિંદા કાયદા હેઠળ જેલમાં
- Advertisement -
તેમણે જણાવ્યું કે, USCIRFનો ધાર્મિક સ્વતંત્રતા રિપોર્ટ 2025 પ્રમાણે પાકિસ્તાનમાં 700થી વધુ લોકો ઈશનિંદા કાયદા હેઠળ જેલમાં છે. આ આંકડો ગત વર્ષની તુલનામાં 300% વધુ છે. બલૂચ નેશનલ મૂવમેન્ટના માનવાધિકાર એકમ પાંક પ્રમાણે 2025ના પ્રથમ છ મહિનામાં જ 785 બળજબરીથી ગુમ અને 121 હત્યાઓ નોંધાઈ હતી. બીજી તરફ પશ્તૂન રાષ્ટ્રીય જર્ગાનું કહેવું છે કે, આ વર્ષે લગભગ 4,000 પશ્તૂન હજુ પણ ગુમ છે.
યુનાઈટેડ કાશ્મીર પીપુલ્સ નેશનલ પાર્ટી (UKPNP) ના પ્રવક્તા નાસિર અઝીઝ ખાને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર (PoJK) માં દમનની વધતી જતી ઘટનાઓ પર હસ્તક્ષેપ કર્યો. તેમણે ચેતવણી આપી કે, પ્રદેશમાં માનવીય સંકટ વધુ ઘેરો બની રહ્યો છે.
ખાને કહ્યું કે, પાકિસ્તાને સંસાધનોની માલિકી અને મૂળભૂત અધિકારોની માંગણી કરતા અહિંસક આંદોલનને દબાવવા માટે રેન્જર્સ તહેનાત કર્યા છે અને ફોન તથા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
આ અગાઉ જુલાઈમાં સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોએ પાકિસ્તાન સરકારને ચેતવણી આપી હતી કે તે લઘુમતીઓ (ખાસ કરીને અહમદી સમુદાય) સામે વધતી હિંસા, મનસ્વી ધરપકડો અને પૂજા સ્થળો પર હુમલાઓને રોકવા માટે નક્કર પગલાં લે.