રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કૃષક ભારતી દ્વારા સહકારી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહકારી પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમય સાથે તાલ મિલાવી આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ગૌ આધારિત સજીવ ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલન થકી સારી આવક મેળવવા અનુરોધ કરવામાં આવ્યો હતો. હરબટીયાળી સહકારી મંડળીનાં સંચાલકો અને સભાસદો, સદસ્યોને મંડળી દ્વારા કામગીરીની પ્રસંશા સાથે ખાસ કરીને મહિલા સદસ્યો દ્વારા ખેતી સાથે પશુપાલન થકી નોંધપાત્ર આવક સાથે મહિલા સશક્તિકરણ અંગે અભિનંદન આપવામાં આવ્યા હતા. આ તકે કૃષક ભારતીનાં ડો. કાછડીયાએ પોતાના પ્રસંગોચિત પ્રવચનમાં રાસાયણિક ખાતરનાં વધારે પડતાં ઉપયોગ સામે કુદરતી સેન્દ્રીય ખાતર વાપરવા અનુરોધ કરતા તેના અનેકવિધ ફાયદા સાથે કૃષક ભારતી દ્વારા ખેડૂતો માટેની વિવિધલક્ષી કામગીરીની માહિતી આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ડો. દિલીપભાઈ સરડવાએ કપાસમાં મિલિ બગ સામે સાવચેતીનાં ભાગરૂપે જરૂરી કાળજી લેવા, માવજત અંગે હિમાયત કરી હતી. આ તકે મહાનુભાવો દ્વારા સ્વ.વિઠલભાઈ રાદડીયા મેડિકલ સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અને આઝાદીનાં અમૃત વર્ષ ઉપક્રમે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘરે ઘરે તિરંગો લહેરાવવા અનુરોધ કરવામાં
આવ્યો હતો.