ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.30
મોરબીના નાની વાવડી રહેતા યુવાનને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરવો હતો જેથી કરીને તેણે પોતાના મિત્રને વાત કરી હતી અને ત્યારબાદ તે યુવાને જુદા જુદા વ્યક્તિ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધેલા હતા અને વ્યાજે લીધેલા રૂપિયાની સામે મૂડી તથા વ્યાજની રકમ ચૂકવી દીધી હોવા છતાં પણ યુવાન પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને તેની પાસેથી જુદા જુદા વ્યાજખોરો દ્વારા 36 જેટલા ચેક લેવામાં આવ્યા હતા અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 13 શખ્સો ની સામે ફરિયાદ નોંધાવેલ છે. જાણવા મળતી મહિતી મુજબ મોરબી નજીકના નાનીવાવડી ગામે કુવાવાડી શેરીમાં તળાવ પાસે રહેતા અને મહેન્દ્રનગર ચોકડી પાસે પ્રભુકૃપા ટાઉનશિપ નજીક આવેલ શોપિંગ સેન્ટરમાં મારુતિનંદન એન્ટરપ્રાઇઝ નામની ટાઈલ્સ ટ્રેડિંગની ઓફિસ ધરાવતા જયેશભાઈ કરસનભાઈ રાજપરા (33) એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજુભાઈ આહીર રહે. કુંતાસી, ભગીરથભાઈ હુંબલ રહે. મોરબી, સુમનભાઈ રાઠોડ રહે. નાગડાવાસ, અરવિંદસિંહ ઝાલા રહે. મોરબી, જયદીપભાઇ પટેલ રહે. રવાપર રોડ મોરબી, ધારાભાઈ રબારી રહે. લાલપર, રણજીતભાઈ આહીર રહે. રાજકોટ, સંજયભાઈ આહીર રહે. નાગડાવાસ, ગોપાલભાઈ રાઠોડ રહે. કેરાળી, સતિષભાઈ ભોરણીયા રહે. ઉમા ટાઉનશિપ મોરબી, રાજુભાઈ ઘાંચી રહે. કાલીક પ્લોટ મોરબી, અકીબભાઈ મીર રહે. કાલીકા પ્લોટ મોરબી અને જયદીપભાઇ સવાભાઈ ડાંગર રહે. મેઘપર તાલુકો માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે તેને ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો શરૂ કરવો હતો જેથી કરીને ફરિયાદીએ તેના મિત્ર સતીશ ભોરણીયા ને વાત કરી હતી ને ત્યારબાદ ફરીયાદીએ સતિષ ભોરણીયાના જુદા જુદા મિત્રો પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તે રૂપિયા અપાવવા માટે એક લાખે 5000 રૂપિયાનું કમિશન પણ સતિષ ભોરણીયાએ લીધેલું હતું આ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી ફરિયાદી યુવાને 25.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધેલા હતા અને તેની સામે આરોપીઓએ યુવાન પાસેથી બળજબરીથી કુલ મળીને 36 જેટલા ચેક લખાવી લીધા હતા. આ યુવાને મૂડી તથા વ્યાજની રકમ વ્યાજખોરોને ચૂકવી આપેલ છે તેમ છતાં પણ રાજુભાઈ આહીર દ્વારા ફરિયાદી યુવાનની સ્વીફટ ગાડી નંબર જીજે 3 ઇઆર 7166 પડાવી લેવામાં આવેલ છે અને આ જુદા-જુદા વ્યાજખોરો દ્વારા ફરિયાદી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.