લફરેબાજ પતિએ શંકા કરી પત્નીને મારકૂટ કરી અન્ય સ્ત્રીને ઘરમાં બેસાડી
પત્નીના દાગીના ગીરવે મૂકી લોન લઈ પતિ ઘરે મહેફિલ માણતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રિસામણે બેઠેલી બે પરિણીતાઓએ જામનગર અને સુરત રહેતા સાસરિયાં સામે શારીરિક માનસીક ત્રાસ આપી દહેજ માંગવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કુવાડવા રોડ પર પિતા મુકેશભાઇ વઘેરાના ઘરે રહેતી અંજના મકવાણા ઉ.28એ મહિલા પોલીસ સ્ટેશનમાં જામનગરના ખારવા ગામે રહેતા પતિ મયૂર, સાસુ જ્યોત્સના અને સસરા ભીમજી કાળા મકવાણા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન વર્ષ 2020માં મયૂર સાથે થયા હતા. લગ્નના એક વર્ષ બાદ પતિ મયૂર નજીવી બાબતે ત્રાસ આપવા લાગ્યો હતો. સાસુ અને સસરાને આ અંગે વાત કરતાં તેઓ મયૂરનો સાથ આપતા હતા. પતિના ત્રાસથી પાંચેક વખત અંજના રિસામણે પિયર બેઠી હતી, પરંતુ દર વખતે પતિ સહિતનાઓ સમાધાન કરીને લઇ જતા હતા એક વર્ષ પહેલાં પતિએ ખોટી શંકા કરી માથાકૂટ કરતાં અંજના પિયર આવી ગઇ હતી. દાદાજી સસરાનું અવસાન થતાં તેણી સાસરિયે ગઇ ત્યારે જાણવા મળ્યું કે, દોઢ મહિનાથી તેનો પતિ ઘરે આવ્યો નથી અને તેની સ્ત્રી મિત્રના ઘરે રહે છે તેમજ ફોન નંબર પણ બ્લોક કરી નાખ્યો હતો તેણીએ દાદીજી સાસુના ફોનમાંથી વાત કરતાં પતિએ કહ્યું હતું કે, તારું અહીં કંઇ કામ નથી, તું ઘરે જતી રહે સમાધાન નહીં થતાં અંતે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ભક્તિનગર સોસાયટીમાં પિયરમાં સાતેક મહિનાથી રહેતી હિના જાલોધ્રા ઉ.27એ નોંધાવેલી ફરિયાદમાં સુરત રહેતા પતિ પ્રશાંત, સાસુ જીતુબેન, સસરા ધનજી લાખા જાલોધ્રા અને દિયર જતિન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2024માં તેના લગ્ન પ્રશાંત સાથે થયા હતા અને તેને સંતાનમાં 15 દિવસની પુત્રી છે.
- Advertisement -
સુરતમાં રહેતા ત્યારે પતિએ મકાન લેવા માટે હિનાના ઘરેણાં ગીરવે મૂકી દીધા હતા. પતિ પ્રશાંત કોઇ મહિલા સાથે ફોનમાં ચેટિંગ કરતો હતો આ મુદ્દે પૂછતાં તેણે કહ્યું હતું કે, ધંધાના કામમાં પાર્ટીનો મેસેજ આવતા હોય આ બાબતે કંઇ પૂછવું નહીં. ત્યારબાદ હિના અને પ્રશાંત રાજકોટ રહેવા આવ્યા હતા. અહીં પણ ઝઘડો થતાં હિના પિતાના ઘરે ગઇ હતી અને બીજા દિવસે પરત આવી તો ઘરમાંથી દારૂની બોટલ મળી હતી. આ બાબતે ઝઘડો થતાં હિના પિયર જતી રહી હતી અને પ્રશાંત સુરત રવાના થઇ ગયો હતો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



