નરાધમ વ્યાજખોરોને રોકવાવાળું શું કોઇ નથી ?
ઑડિયો ક્લિપમાં હત્યાનો આરોપી કમલેશ ગોસાઇ અત્યંત તોછડાઇથી અને ધમકીભર્યાં સૂરમાં વાત કરી રહ્યો છે…
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત રાજ્યભરમાં વ્યાજખોરો વિરૂદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જેના પરિણામે થોડા દિવસો સુધી વ્યાજખોરો કાબૂમાં રહ્યા બાદ ફરીથી બેફામ બની ગયાની પ્રતિતિ કરાવતી ઘટનાઓ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા જ રાજકોટમાં વ્યાજના માત્ર 100 રૂપિયા માટે પિતા અને તેના બે પુત્રોએ મળી એક યુવકને તેની માતા અને ભાઈ સહિતના પરિવારજનોની નજર સામે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાને પોલીસ ગંભીરતાથી લઇ ફરીથી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરે તેવી માંગ ઉઠી છે. માત્ર 100 રૂ. માટે 23 વર્ષીય આશાસ્પદ યુવાનની હત્યાનો કિસ્સો ચોંકાવનારો અને ચેતી જવા જેવો છે. હત્યાની આ ઘટના પહેલા મૃતકના પિતા અને વ્યાજખોર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો પણ બહાર આવ્યો છે. મૃતક સૂરજના પિતા તેજસભાઈ અને વ્યાજખોર કમલેશની ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે, ક્યાં પ્રકારે કમલેશ દ્વારા તેજસ પાસેથી વ્યાજે આપેલા પૈસાના વ્યાજની ઉઘરાણી કરવામાં આવે છે અને ગાળો આપી હદદૂત કરવામાં આવે છે. એટલું જ નહીં વ્યાજે પૈસા લેનારા તેજસભાઈ જ્યારે વ્યાજે પૈસા આપનારા કમલેશ સાથે માલિક અને મોટાભાઈ કહેવામાં આવે છે ત્યારે પણ કમલેશ હવે પૈસા લેવા આવવું નહીં, અને વ્યાજ તો આપવું જ પડશે એવા ધમકીભર્યા અવાજમાં વાત કરે છે.
આ વાતચીત બાદ બનેલી ઘટના અનુસાર ગાંધીગ્રામના ગાંધીનગર શેરી નં. 7માં રહેતા મિહીર ઠાકર (ઉ.વ.21)એ ફરિયાદ નોંધાવી હતી કે તેના પિતા તેજસભાઈ ડ્રાઇવિંગ કરે છે. જ્યારે મોટોભાઈ સૂરજ (ઉ.વ.23) સંત કબીર રોડ પર જેનીસ ઇમીટેશનમાં નોકરી કરતો હતો. એકાદ માસ પહેલા તેના પિતાએ લાખના બંગલા પાસે ખોડીયાર પાન ધરાવતાં કમલેશ ગોસાઇ પાસેથી રૂ. 20 હજાર વ્યાજે લીધા હતા. જેનું દરરોજ રૂ. 200 વ્યાજ ચૂકવતા હતા. તેના ફૂવા મેહુલભાઈ પૂજારાએ પણ તેના પિતાને વચ્ચે રાખી કમલેશ પાસેથી રૂ. 10 હજાર દસેક દિવસ પહેલા વ્યાજે લીધા હતા.એક દિવસ રાત્રે તેના ફૂવા અને પિતા કમલેશની દુકાને પૈસા આપવા ગયા હતા. થોડીવાર બાદ પરત આવ્યા હતા. તે વખતે તેના પિતાએ કહ્યું કે કમલેશને વ્યાજે લીધેલા રૂ. 10 હજાર આપતા તેણે આજનું પણ રૂ. 100 વ્યાજ આપવું પડશે તેમ કહી માથાકૂટ કરી તેને ત્રણ-ચાર તમાચા ઝીંકી દીધા હતા.
આ ઘટના બાદ ફરિયાદીની માતા સુનિતાબેન અને ભાઈ સૂરજ એક્ટિવા ઉપર તેના પિતાએ વ્યાજે લીધેલા રૂ. 20 હજાર કમલેશને પરત આપવા તેની દુકાને ગયા હતા. તે વખતે દુકાને કમલેશનો પુત્ર જીગર હાજર હતો. જેને તેના પિતાને બોલાવવાનું કહેતા થોડીવાર બાદ કમલેશ મોટા પુત્ર જયદેવ સાથે દુકાને આવ્યો હતો. આ વખતે તેની માતાએ કહ્યું કે તમે વગર વાંકે મારા પતિ સાથે ઝગડો કરી તેને તમાચા માર્યા છ, એટલે હવે અમારે તમારા પૈસા જોઇતા નથી. આટલી વાતચીત થયા બાદ કમલેશ અને તેના બંને પુત્રો ઉશ્કેરાઇ ગયા હતાં. અચાનક જીગરે પેન્ટમાંથી છરી કાઢી તેના ભાઈ ઉપર હુમલો કરી દીધો હતો. તે અને તેની માતા છોડાવવા વચ્ચે પડતાં કમલેશ અને તેના પુત્ર જયદેવે ધોકા વડે હુમલો કર્યો હતો. જેને કારણે તેની માતા પડી ગયા હતા. ત્યારબાદ જયદેવ અને કમેલશે તેના ભાઈ સૂરજને પકડી રાખ્યા બાદ જીગરે માથા અને છાતીના ભાગે છરીના બે-ત્રણ ઘા ઝીંકી દેતા સૂરજ લોહીલુહાણ હાલતમાં પડી ગયો હતો. દેકારો થતાં માણસો ભેગા થઇ જતાં ત્રણેય આરોપીઓ ભાગી ગયા હતાં. આ ઘટનામાં ઘાયલ સૂરજ અને તેની માતા સુનિતાબેનને તત્કાળ સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં તબીબોએ સૂરજને મૃત જાહેર કર્યો હતો.અને હવે આ ઘટના પહેલા મૃતક અને વ્યાજખોર વચ્ચે થયેલી વાતચીતનો ઓડિયો જાહેર થતા ચકચાર મચી જવા પામી છે.
હત્યા પહેલાની ઑડિયો ક્લિપ સાંભળવા ક્લિક કરો