તાલાલામાં સોમનાથ-સાસણ માર્ગ પર બેફામ દોડતા વાહનો પર નિયંત્રણ લાવો: જરૂરી સ્થાનો ઉપર સ્પીડ બ્રેકર મુકો
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
તાલાલા શહેરમાં નવા બસ સ્ટેન્ડ આગળ સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા પરસોતમભાઈ ભીમજીભાઈ ગોહીલ નાં આઠ વર્ષના બાળક મનન ને પુરઝડપે આવતી છોટાહાથી ગાડીએ હડફેટે લેતા બાળકનું કમકમાટીભર્યું મરણ થતાં શહેરમાં અરેરાટી પ્રસરી ગઈ છે.
- Advertisement -
આ બનાવ અંગે પોલીસ માંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે નવા બસ સ્ટેન્ડ આગળ ક્રિકેટ રમતા બાળકો નો બોલ રોડ ઉપર આવતા મનન બોલ લેવા દોડ્યો.આ દરમ્યાન તાલાલા થી ઘુંસિયા ગીર તરફ પુરઝડપે જતી છોટાહાથી જી.જે.32.ટી.8574 એ બાળકને હડફેટે લેતા પ્રથમ સરકારી ત્યારબાદ બાપા સીતારામ હોસ્પિટલે રીફર કરેલ જ્યાં ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યા હતા. મનન અને મર્થન બંને જુડવા ભાઈઓ છે.બંને ભાઈઓ ક્રિકેટ રમતા હતા.માર્ગ ઉપર મનન બોલ લેવા જતા ભાઈની સામે જ માસુમ મનન નું મરણ થયું હતું.મૃતક બાળકનું સરકારી હોસ્પિટલના તબીબ ડો.નિલેશ પરમારે પી.એમ.કરી બોડી તેમના પરિવારજનોને સોંપી હતી.આ બનાવ અંગે બાળકનાં પિતાની ફરીયાદ લઈ પોલીસે છોટા હાથીનાં ચાલક સામે ગુનો દાખલ કરી પી.આઈ.જે.એન.ગઢવી એ વધુ તપાસ હાથ ધરી છે.
શહેરમાં પુરઝડપે દોડતા વાહનો ઉપર લગામ લાવો:
તાલાલા શહેરમાંથી પસાર થતો સોમનાથ-સાસણ મુખ્ય માર્ગ એક કિ.મી થી પણ અધિક લાંબો છે.આ માર્ગ માર્કેટીંગ યાર્ડ,સરદાર ચોક,જુના બસ સ્ટેન્ડ,શાક માર્કેટ,નગરની મુખ્ય બજારો,નવા બસ સ્ટેન્ડ તથા મોટી મરચાં માર્કેટ બજાર માંથી પસાર થાય છે.આ માર્ગ આખો દિવસ ટ્રાફિક થી ભરપુર રહે છે.માર્ગ ઉપર પુરઝડપે બેફામ અગણિત વાહનો દોડે છે.પરિણામે આ માર્ગ ઉપર દરરોજ નાનાં મોટાં અકસ્માતો થાય છે.આ માર્ગ ઉપર બેફામ દોડતા વાહનોને કારણે પસાર થવું કે માર્ગ ઓળંગવો રાહદારીઓએ માટે કઠીન બની ગયું છે માટે માર્ગ ઉપર દોડતા વાહનો ઉપર સ્પીડ નિયંત્રણ લાવવું ખુબ જ જરૂરી છે.આ માટે માર્ગ ઉપર સ્પીડ બ્રેકર મુકવા તથા સ્પીડ નિયંત્રણ જાહેરનામાં નો ભંગ કરતાં વાહન ચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવા લાંબા સમયથી સત્તાવાળાઓ સમક્ષ રજુઆતો સાથે પ્રબળ લોક માંગણી થઈ રહી છે.પરંતુ પોલીસ તરફથી પરીણામલક્ષી કોઈ કાર્યવાહી થતી નથી જેથી પ્રશાસન સામે શહેરમાં ભારે લોક રોષ ફેલાયો છે.તાલાલા શહેરમાં ભારે ટ્રાફિક વચ્ચે પુરઝડપે દોડતા વાહનો વધુ કોઈ નિર્દોષ માનવ જીંદગીને ભરખી જાય તે પહેલાં તાલાલા શહેરના મુખ્ય માર્ગો ઉપર દોડતા વાહનો ઉપર સ્પીડ નિયંત્રણ લાવવા પ્રબળ લોકમાંગણીઉઠીછે.