જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીએ સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ દુર કરવા દબાણકારોને તાકીદ કરી
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ સ્વેચ્છાએ હટાવવા દબાણ કર્તાઓને તાકીદ કરી છે. સરકારી જમીન પરના દબાણ હટાવવામાં નહીં આવે તો તંત્ર દ્વારા દબાણ કરનારના ખર્ચે દબાણ હટાવવામાં આવશે. કલેકટરે જણાવ્યું કે ગામતળ,ગૌચર, રોડ રસ્તા સહિતની જગ્યાઓ પર કરેલા દબાણને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેથી જિલ્લામાં સરકારી જમીન પરના દબાણો સ્વેચ્છાએ હટાવવા જણાવવામાં આવે છે અને તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે ત્યારે દબાણ હટાવવા માટેનો ખર્ચ પણ દબાણ કરનાર પાસેથી વસુલ કરવામાં આવશે. વધુમાં કલેકટરે કહ્યું કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ યોગ્ય પ્રક્રિયા કરીને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં કરેલા દબાણની વિવિધ જગ્યાઓની ઓળખ કરીને દુર કરવાની કામગીરી ચાલુ છે. જાહેર રોડ, રેલવે, વોટર સપ્લાય ઓથોરિટીઝ વિસ્તાર સહિતના વિસ્તારોમાં તાકીદે દબાણની કામગીરી કરવામાં આવશે. સરકારી જમીન પર રહેણાંક, ઔદ્યોગિક અને ગૌચર સહિત જુદા જુદા વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવશે.પોરબંદર જિલ્લામાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. જરૂર પડે આ કામગીરીમાં બહારથી પણ ટીમો બોલાવવામાં આવશે. અને ગેરકાયદેસર ખાણ કરીને ખનીજ ખનન કરતા તત્વો સામે જવાબદારી નક્કી કરીને કડક પગલાં ભરવામાં આવશે.
જ્યારે જિલ્લામાં ગ્રામ્યસ્તરે પણ જિલ્લા વિકાસ અધિકારીના સંકલનમાં તાલુકા વિકાસ અધિકારી મારફતે ગ્રામ પંચાયતોને નોટિસ આપીને દબાણ હટાવવા માટેની જાણ કરવામાં આવી છે જે યોગ્ય સમયમાં દબાણ દુર કરવામાં નહીં આવે તો તે ગ્રામ પંચાયતને સુપરસીડ સહિતની કાર્યવાહી કરીને અથવા મહેસુલ વિભાગ હેઠળ લાવીને આગામી સમયમાં ગ્રામ્ય કક્ષાના દબાણ દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. પોરબંદર જિલ્લામાં કુદરતી પાણીના વહેણ પરના અડચણો, પાણીનો નિકાલ થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે. પાણીનો કુદરતી પ્રવાહ રોકનારા સામે પણ સખત પગલા લેવામા આવશે. કોઈ વ્યક્તિઓએ દબાણ કર્યું હોય તેની આધાર પુરાવા સાથેની માહિતી પોતાનાં નામ વગર પણ દબાણ શાખા કલેક્ટર કચેરીને આપી શકાશે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવશે. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ, એસપી ભગીરથ સિંહ જાડેજા, અધિક કલેક્ટર જે.બી.વદર ઉપસ્થિત રહ્યા હતા.



