ખુલ્લેઆમ ચાલતાં રેતી ચોરીના કારોબાર સામે તંત્રની ઢીલી નીતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે. જિલ્લામાં અગાઉ અનેક અધિકારીઓ આવીને તપાસ અને કાર્યવાહી કરવાની વાતો કરી ગયા હોવા છતાં આજે પણ ખનિજ ચોરી અટકાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. કોલસા, સફેદ માટી, રેતી, બ્લેક ટ્રેપ તેમજ પથ્થર જેવા ખનિજોના ગેરકાયદેસર ખનન અને વહેચાણના બનાવો સતત સામે આવી રહ્યા છે, જેના કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે વઢવાણ તાલુકાના વસ્તડી ગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રેતી ચોરીનો કારોબાર દિનદહાડે અને ખુલ્લેઆમ ચાલી રહ્યો હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી કાઢી તેને વાહનોમાં ભરી વેચાણ કરવામાં આવી રહી છે.
ખનિજ માફિયાઓ દ્વારા દરરોજ હજારો ટન રેતીનું વેચાણ કરી લાખો રૂપિયાનો ગેરકાયદેસર વેપાર કરવામાં આવતો હોવાનો સ્થાનિકોમાં આક્ષેપ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રેતી ચોરી કરનારા ખનિજ માફિયાઓને કોઈનો ભય રહ્યો નથી. તેઓ ખુલ્લેઆમ રેતી ચોરી કરી રહ્યા છે અને સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવે ત્યારે પણ કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. અનેક વખત ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં રેતી ચોરી અટકાવવામાં સફળતા મળી નથી. આ ઉપરાંત રેતી ચોરી અંગે અવાજ ઉઠાવતા સ્થાનિકોને ધમકી આપવાના તેમજ દાદાગીરીના બનાવો પણ બનતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
સ્થાનિકોનું કહેવું છે કે રજૂઆત છતાં કાર્યવાહી ન થતાં ખનિજ માફિયાઓને પ્રોત્સાહન મળતું હોય તેવું લાગી રહ્યું છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા આ ગેરકાયદેસર રેતી ચોરીના કારોબાર સામે તંત્ર દ્વારા કડક અને દાખલારૂપી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે.



