ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે તેવામાં ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગર જ આશિક્ષિત દર્દીઓની સારવાર કરતા બોગસ તબીબને ફરી એક વખત જિલ્લાની એસ.ઓ.જી ટીમે ઝડપી પાડ્યો હતો. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા તાલુકાના એજાર ગામે બોગસ ડોકટર છેલ્લા કેટલાક સમયથી ડિગ્રી વગર જ દર્દીઓની સારવાર કરી રૂપિયા પડાવતો હોવાની માહિતીને આધારે એસ.ઓ.જી પીઆઇ ભાવેશભાઈ સિંગરખીયા દ્વારા એજાર ગામે જઈ તપાસ હાથ ધરી હતી.
જે દરમિયાન એજાર ગામે પ્રાઇવેટ ક્લિનિક ખોલી બેઠેલા તુષાર સંજયભાઈ સરદાર બોગસ ડોકટરને ઝડપી તેની પાસેથી ડિગ્રી અંગે તપાસ કરતા આ શખ્સ પાસેથી દર્દીઓને સારવાર કરવા માટે ડિગ્રી નહીં હોવાનું સામે આવતા એસ.ઓ.જી ટીમ દ્વારા બોગસ ડોકટરને ઝડપી લઇ તેની પાસેથી છ હજારથી વધુનો એલોપેથીક દવાઓનો જથ્થો પણ જપ્ત કર્યો હતો ત્યારે આ બોગસ તબીબ આ અગાઉ પણ અનેક વખત ડિગ્રી વગર સારવાર કરવાના ગુન્હામાં ઝડપથી ચડી ચૂક્યો છે ત્યારે ફરી એક વખત આ પ્રકારે લોકોના જીવન સાથે ચેડા કરવાનું ગુન્હાહિત કૃત્ય કરતા બોગસ ડોકટર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે.