ડેરી કંપનીઓએ પણ 10 મહિનામાં દૂધની કિંમતોમાં 8 થી 10% સુધીનો વધારો કર્યો
ખાસ-ખબર સંવાદદાતા
દૂધના ભાવમાં વધુ એકવાર વધારો આવી રહ્યો છે, આ વર્ષે નવેમ્બર સુધીમાં દૂધના ભાવમાં ચાર વખત વધારો થયો છે. ચારાની કિંમતમાં વધારાને કારણે કંપનીઓ પર દૂધના ભાવવધારવાનું દબાણ હોવાનું આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના એક રિપોર્ટમાં આ બાબતે જાહેર થઇ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂધ ખરીદ કિંમતોમાં સતત વધારાને કારણે ડેરી કંપનીઓએ પણ છેલ્લા 10 મહિનામાં દૂધની કિંમતોમાં 8 થી 10 ટકા સુધીનો વધારો કર્યો છે. જ્યારે બીજી બાજુ વૈશ્ર્વિક સ્તરે દૂધથી બનેલા પાવડરની કિંમત વાર્ષિક આધારે ઓછી થતી રહી છે.
દૂધના ભાવવધારા માટે કહેવામાં આવ્યું છે કે ચારાની કિંમતમાં વધારો થવાથી પશુપાલકોને દૂધ મોંઘુ પડતું હોવાથી દૂધની કિંમત વધી છે. આ કારણે કંપનીઓ આગામી વર્ષની બીજી 6 માસિકમાં દૂધના ભાવમાં ફરી વધારો કરી શકે છે. નવેમ્બરમાં દૂધના ભાવમાં વધારા પર મધર ડેરી અને આરલે જણાવ્યું હતું કે ખર્ચમાં વધારો થવાથી દૂધનો ભાવ વધારવા મજબૂર બનવું પડ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મકાઈની કિંમત નવેમ્બર 2022માં વાર્ષિક ધોરણે 27.4 ટકાથી વધુ અને ઘઉંની કિંમત 31 ટકા વધુ હતી. જેથી પશુ આહાર મોંઘો થઇ રહ્યો છે.
પશુ આહારના ભાવમાં મોટો ઉછાળો થયો છે. પશુઓને લમ્પી રોગના કારણે દૂધના ઉત્પાદન પર અસર થઇ હતી. અસામાન્ય ચોમાસાને કારણે ચારાની અછત થઇ હતી અને દૂધની માંગમાં ઝડપથી વધારો થયો છે.