રોકડા રૂ. 14.75 લાખ સાથે છ જુગારીઓને LCBએ ઝડપ્યા
ક્રાઈમ બ્રાન્ચની ટીમે તમામ આરોપીઓ વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ નજીક રાજનગર પાસે આવેલ સ્કાય વ્યુ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતા જુગારધામ ઉપર મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને રોકડા રૂ. 14.75 લાખ સાથે છ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
મોરબી શહેરના પંચાસર રોડ પર આવેલા રાજનગર નજીક પ્રમુખ સ્વામી સોસાયટીના પાછળના ભાગે આવેલા સ્કાય વ્યુ એપાર્ટમેન્ટના બ્લોક નંબર 502માં જયસુખ પડ્સુંબીયા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી.
જે બાતમીનાં આધારે એલસીબી ટીમે દરોડો પાડીને ફ્લેટમાં જુગાર રમતા જયસુખ મહાદેવભાઇ પડસુંબીયા, જયેશ કાનજીભાઇ પડસુંબીયા, દિપક રાઘવજીભાઈ ભૂત, વિપુલ અંબારામભાઈ કુંડારીયા, જયદિપ પ્રવિણભાઇ ચૌહાણ અને નિતીન વલ્લભભાઇ આદ્રોજાને ઝડપી લીધા હતા અને તેની પાસેથી રોકડા રૂપિયા 14,75,000 અને જુગાર રમવાના સાહિત્ય સહિતનો મુદામાલ કબ્જે કરીને તમામ પત્તાપ્રેમીઓ વિરૂદ્ધ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ મથકે ગુન્હો દાખલ કરાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.