આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ જોડાયા
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ, તા.26
- Advertisement -
વિશ્વ મેલેરિયા દિવસને અનુલક્ષીને દેશમાં મેલેરિયા વિશે જાગૃતિ ફેલાવવા માટે અનેક જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. તેને અનુલક્ષીને આજે વેરાવળ ચોપાટીથી લઇને સિવિલ હોસ્પિટલને આવરી લેતી એક સાયકલ રેલીનું આયોજન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કલેક્ટર સાથે જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોરહરસિહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.
વિશ્વમાં ખાસ કરીને ભારતમાં મેલેરિયાનો ઉપદ્વવ વધુ હોય છે. જેના કારણે બિમારી પણ ફેલાય છે. આ બધા વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે મેલેરિયા જાગૃતિ વિશેના બેનર સાથેની આ સાયકલ રેલી વેરાવળ ચોપાટીથી લઇને ટાવર ચોક અને ટાવર ચોકથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી હતી. “વધુ સમાન વિશ્વ માટે મેલેરિયા સામેની લડાઈને વધુ વેગ આપીએની થીમ પર વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત નાગરિકો સ્વચ્છતા જાળવે અને મલેરિયા રોગ નાબૂદી માટેની જાગૃતિ કેળવાય તેમજ નાગરિકો બહોળી સંખ્યામાં મતદાન કરે તેવા આશય સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અરુણ રોય, જિલ્લા પુરવઠા અધિકારી એન.બી.મોદી, પ્રાંત અધિકારી વિનોદ જોષી, ડેપ્યુટી કલેક્ટર-1 ભૂમિકાબેન વાટલીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતાં.