રહેણાંક-કોમર્શિયલ બાંધકામોમાં નિયમોનો સરાજાહેર ઉલાળિયો
ચંપકનગર મેઈન રોડ અને શેરી નંબર 3 અને 4માં ખડકાયા ગેરકાયદે બાંધકામ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના નવા વિસ્તારોમાં જ્યાં જૂઓ ત્યાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે. જો શહેરના સામા કાંઠા વિસ્તારની જ વાત કરવામાં આવે તો એકલા ચંપકનગર વિસ્તારમાં જ શેરીએ ગલીએ ગેરકાયદે બાંધકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રણછોડનગર વિસ્તારમાં બાંધકામ પરવાનગી વિભાગને અંધારામાં રાખી કેટલીયે ઈમારતોમાં નિયમની વિરુદ્ધ વધારાનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. આ મામલે ટાઉન પ્લાનીંગ વિભાગને ગેરકાયદે ચાલી રહેલા બાંધકામો અંગે જાગૃત નાગરિકો દ્વારા અસંખ્ય અરજીઓ પણ કરવામાં આવી રહી છે છતાં તંત્ર ગેરકાયદે બાંધકામ મામલે આંખ આડા કાન કરી રહ્યું હોવાનું જણાય આવે છે.
સામા કાંઠે આવેલા ચંપકનગર મેઈન રોડ અને શેરી નં. 3, 4ના રહેણાક વિસ્તારમાં ટી.પી. શાખાના નિયમોનો ઉલાળીયો કરીને આશરે ત્રણેક જેટલા ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે. અધૂરામાં પૂરું અહીં કોમર્શિયલ બાંધકામ પણ કરવામાં આવી રહ્યું છે. આ મામલે જાગૃત નાગરિક દ્વારા ટી.પી. શાખામાં અરજી પણ કરવામાં આવી છે પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્થાનિક કોર્પોરેટરોના ઈશારે અહીં ચાલતા ગેરકાયદે બાંધકામ પર તંત્ર કોઈ પગલાં ભરતું નથી એવી ચર્ચાએ જોર પકડ્યું છે. જો આ હકિકત ન હોય તો સામા કાંઠે ચાલી રહેલા ગેરકાયદે બાંધકામ મામલે તંત્રએ તાત્કાલિક પગલાં ભરવા અનિવાર્ય છે.
- Advertisement -