દીવાલનું કામ ચાલતું હોવાથી ચાર દિવસ સુધી કેકેવી બ્રિજની બંને દિશા વારાફરતી બંધ રખાશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેકેવીના નવા ફ્લાયઓવર પર દીવાલ બનાવશે. જેના લીધે એકબાજુનો રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. બ્રિજની હાલની પ્રોટેક્શન વોલ 3 ફૂટ જેટલી છે જેની પર 7 ફૂટની નવી પ્રોટેક્શન વોલ બનતા કુલ 10 ફૂટની ઊંચાઈ થશે અને લંબાઈ 150 ફૂટ જેટલી થશે. આ દીવાલમાં રોક-વુલ, ફાઇબર ગ્લાસ, ટિસ્યૂપેપર, જી.આઈ. શીટ તથા એમ.એસ. પાઇપનો ઉપયોગ કરવામાં આવશે જેથી આ પ્રોટેક્શન વોલ બિનપારદર્શક રહેશે. આ કારણે શહેરની ઊંચાઈ પરથી નજારો જોવા નહીં મળે. જેથી બ્રિજ પર સેલ્ફી લેનારાઓની સંખ્યા ઘટશે.
- Advertisement -
રાજકોટ શહેરના કેકેવી ચોકમાં ફ્લાયઓવર પર ફ્લાયઓવર બન્યો હોવાથી ઊંચાઈએથી નજારો જોવા અને સેલ્ફી લેવા માટે સોશિયલ મીડિયા ઘેલાઓ બ્રિજ પર કલાકો ઊભા રહે છે. આ કારણે ટ્રાફિકની સમસ્યા રહે છે તેમજ કોઇપણ સમયે અકસ્માત થઈ શકે છે. સેલ્ફી અને રીલ્સની ઘેલછામાં કોઇ અકસ્માત થાય તો તંત્રની જ બેદરકારી સામે આવે. આ ઉપરાંત થોડા સમય પહેલા મવડી ચોકડી ઓવરબ્રિજ પરથી એક શખસે આપઘાત કરવા માટે છલાંગ લગાવી હતી. આવો કોઇ બનાવ અહીં બને તે પહેલાં જ મહાનગરપાલિકાએ કેકેવી બ્રિજ પર બંને ફૂટપાથ તરફ દીવાલ બનાવવાનું નક્કી કર્યુ છે અને તેનું કામ તાકીદે ચાલુ કરાયું છે. આ દીવાલનું કામ ચાલતું હોવાથી ચાર દિવસ સુધી કેકેવી બ્રિજની બંને દિશા વારાફરતી વાર બે બે દિવસ બંધ રખાશે.