બે વર્ષ પૂર્વે કેરમ રમવા બાબતે થયેલી માથાકૂટનો ખાર રાખી આચરેલું કૃત્ય
થોરાળા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં મોડી રાતે કુબલીયાપરામાં રહેતા 31 વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ખળભળાટ મચી જવા પામ્યો છે બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને આરોપીને સકંજામાં લઈ પૂછતાછ કરતાં બે વર્ષ પૂર્વે કેરમ રમવા બાબતે થયેલ માથાકૂટ હત્યાના બનાવ સુધી પહોંચી હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
- Advertisement -
કુબલીયાપરા મચ્છી ચોક પાસે રહેતાં અને નોનવેજની લારી ધરાવતો સતીષ વિઠ્ઠલભાઇ સોલંકી ઉ.31 ગઈકાલે રાત્રે ઘરે ગયો હતો અને બાજુમાં જ રહેતાં મિત્ર ઉદય ઉર્ફે લાલા સાથે મોડી રાત્રે બાઇકમાં જમવાનું લેવાં માટે નીકળ્યાં હતાં બંને મિત્ર મચ્છી ચોક પાસે પહોંચતા ત્યાં અંધારામાં છુપાઈને બેસેલો નિરજ ધરમ પરમાર નામનો શખ્સ છરી સાથે ધસી આવ્યો હતો અને બાઇકને આંતરી બાઈક ઊભું રખાવી મારે તારી સાથે બાજવું છે કહીં ઝઘડો કર્યો હતો પરંતુ સતિષે મારે તારી સાથે બાજવું નથી કહેતાં આરોપી ઉશ્કેરાયો હતો અને મૃતકને સાથળના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી નાસી છૂટ્યો હતો હુમલામાં લોહીલુહાણ થયેલ યુવાન ઘટનાસ્થળે જ બેભાન થઈ જતાં યુવાનના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને 108 મારફતે તેને સારવારમાં ખસેડવામાં આવતો હતો પરંતુ રસ્તામાં જ યુવાને દમ તોડી દિધો હતો સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં યુવાનને ખસેડાતા ફરજ પરના તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.
બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીઆઈ એન.જી.વાઘેલા સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમમાં ખસેડી મૃતકના મોટા ભાઈ રાકેશભાઈ ઉર્ફે રાજેશ વિઠ્ઠલભાઇ સોલંકીની ફરિયાદ પરથી હત્યા અંગે ગુનો નોંધી આરોપી નિરજ પરમારને ગણતરીની કલાકોમાં દબોચી લઈ પૂછતાછ હાથ ધરી હતી મૃતક અને હત્યારા વચ્ચે બે વર્ષ પહેલાં કેરમ રમવા બાબતે માથાકૂટ થઈ હતી જેનો ખાર રાખીને હત્યા નિપજાવી હોય તેવું સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં હત્યાનો ભોગ બનનાર સતીષના સાત વર્ષ પહેલાં લગ્ન થયાં છે અને તે ત્રણ ભાઈમાં વચ્ચેટ હતો યુવાન પુત્રના મોતથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો.