ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન અને R.S.S.નું પથ સંચલન યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં નવદુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રી પૂર્ણ થતા આજે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવશે .મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર હોમ હવનનું આયોજન કરાયું છે તો સાંજના સમયે રાવણ દહનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજ દ્વારા બાઈક રેલી અને શસ્ત્રપૂજન યોજાશે. તેમજ ધોરાજી હિન્દુ યુવક સંઘ દ્વારા વિજયા દશમીને દિવસે 25 ફૂટના રાવણના પૂતળાનું દહન કરશે. મોરબીના મશાલવાડી વિસ્તારમાં રામલીલા નાટક બાદ 25 ફૂટ ઉંચાઈના રાવણ અને તેના ભાઈ કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું પણ દહન કરવામાં આવશે.
- Advertisement -
આ સિવાય જેતપર ગામમાં પણ રાવણ દહન કરી અસત્ય પર સત્યના વિજયનો સંદેશ આપવામાં આવશે. જેતપર ઉપરાંત મોરબી જિલ્લાના વિવિધ ગામમાં રાવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ દ્વારા શકત શનાળા ગામ ખાતે શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું છે આયોજન મુજબ દશેરા પર્વ નિમિત્તે સામાંકાંઠા ખાતે આવેલ મહારણા પ્રતાપ સર્કલ ખાતેથી ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો બાઈક રેલી કરશે. શહેરના મુખ્ય માર્ગોપર ફરશે અને ત્યાંથી શનાળા રોડ ખાતે આવેલ શક્તિ મંદિર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવશે.
આ ઉપરાંત વિજયા દશમીએ રાષ્ટ્રીય સ્વયં સેવકના સ્થાપના દિવસ પણ હોય આ દિવસ નિમિત્તે મોરબીમાં આર એસ એસ દ્વારા વિજ્યોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ નિમિતે મોરબી શહેર માં ચિત્રકૂટ સોસાયટી,નરસંગ ટેકરી,જયારે ટંકારા તાલુકા ખાતે વિવિધ પ્રયોગ, મહાનુભાવોનું વકતવ્ય તેમજ સંઘ કાર્યકરોનું પથસંચલન કરવામાં આવશે.