4 કલાકની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળ્યો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ નજીક માધાપર ગામે ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વાડીના કુવામાં પડી જતા 16 વર્ષના સગીરનું ડુબી જવાથી મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જઈ બાળકના મૃતદેહ બહાર કાઢયો હતો. મૃતક બાળક વાડીમાં ક્રિકેટ રમતો હતો. દરમિયાન બોલ કુવામાં પડી જતાં કઢવા પડ્યો હતો, પરંતુ ડૂબી જવાથી તેનું મોત નિપજતા મજૂર પરિવારે એકનો એક દીકરો ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. રાજકોટ જામનગર રોડ પર આવેલા માધાપર ગામ નજીક ઈશ્વરીયા મહાદેવ મંદિરની બાજુમાં આવેલા તુલસી ગઢીયાની વાડીમાં બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા.
- Advertisement -
દરમિયાન બોલ કુવામાં પડતા એક 16 વર્ષીય સગીર બોલ લેવા કુવામાં પડ્યો હતો. જો કે બોલ લઇ બહાર આવવા બદલે કુવામાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા રેલનગર ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને કુવામાંથી બાળકના મૃતદેહને બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી. કુવામાં પડી ગયેલા સગીરનું નામ વિજય બકાભાઈ રાઠવા (ઉ.વ.16) હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. સગીર બાળકના પરિવારના સભ્યો નજીકની વાડીમાં મજુરી કામ અર્થે ગયા હતા માટે સગીર સાથે ક્રિકેટ રમતો અન્ય બાળક દોડીને ત્યાં ગયો હતો અને વિજય કુવામાં પડી ગયો હોવાની જાણ કરી હતી.
ફાયરબ્રિગેડની ટીમે કુવામાં ત્રણથી ચાર કલાક શોધખોળ કર્યા બાદ વિજયનો મૃતદેહ બહાર કાઢયો હતો. ઘટનાના પગલે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, ખેતમજૂરી કરતા રાઠવા પરિવારના એકના એક પુત્રનું કુવામાં પડી જવાથી અકાળે મૃત્યુ થતા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો હતો.